• પંડિત નહેરુનો સતત 17 ભાષણનો રેકોર્ડ, ઈન્દિરા ગાંધીના સતત 11 ભાષણ

  • મોદીએ ત્રીજી વાર પીએમ બનવાના નહેરુના વિક્રમની ગત 9 જૂને બરાબરી કરી હતી
  • પીએમ મોદીનું સૌથી ટૂંકુ ભાષણ 2017માં 55 મિનિટનું અને સૌથી લાંબું 2016માં 94 મિનિટનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારે પોતાની સતત 11મી ઇન્ડિપેન્ડેન્સ સ્પીચ ડિલિવર કરશે, જે સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે સત્તામાં આવ્યા બાદની પહેલી સ્પીચ બનશે.નરેન્દ્ર મોદીએ ગત નવ જૂનના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમણે વિક્રમી ત્રીજી વાર વડાપ્રધાન બનવાના જવાહરલાલ નહેરુના વિક્રમની બરાબરી કરી હતી.

આ સાથે તેઓ 15મી ઓગસ્ટે નહેરુ અને તેમની પુત્રી ઈન્દિરા ગાંધી બાદ લાલ કિલ્લા પરથી સતત 11મી વાર ઇન્ડિપેન્ડેન્સ સ્પીચ દ્વારા દેશને સંબોધન કરનારા વડાપ્રધાન બનશે. નહેરુ સતત 17 ઇન્ડિપેન્ડેન્સ સ્પીચ આપવાનો રેકોર્ડ ધરાવે છે જ્યારે ઈન્દિરા ગાંધીએ પણ સતત 11 ઇન્ડિપેન્ડેન્સ સ્પીચ આપી હતી. જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને તે પછી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 સુધી વડાંપ્રધાન રહેલા ઈન્દિરાએ કુલ 16 વાર 15 ઓગસ્ટે દેશને સંબોધન કર્યું હતું. અત્યાર સુધીના વડાપ્રધાનો સાથે મોદીના ભાષણની કરવામાં આવે તો મોદીની ઇન્ડિપેન્ડન્ટ ડે સ્પીચ સરેરાશ 82 મિનિટની હતી જે કોઈપણ પીએમના ભાષણની સરખામણીએ લાંબુ છે. પીએમ મોદીનું સૌથી ટૂંકુ ભાષણ 2017માં 55 મિનિટનું હતું અને સૌથી લાંબું 2016માં 94 મિનિટનું હતું.

પીએમ મોદી મનમોહનસિંહને પાછળ રાખી દેશે

અત્યાર સુધી ત્રીજા ક્રમ પર વડાપ્રધાન મનમોહનસિંહ હતા, જેમણે સતત 10 વાર 15 ઓગસ્ટે દેશને સંબોધન કર્યું હતું, જેમને હવે મોદી પાછળ રાખી દેશે. નરેન્દ્ર મોદીએ 2014માં પોતાની પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ ડે સ્પીચ આપી હતી. તે સમયે તેમણે સ્વચ્છ ભારત અને જન ધન એકાઉન્ટ જેવી અનેક નવી યોજનાઓની જાહેરાત કરી હતી.

  • Follow us on: