વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉ જેમને કોઈ પૂછતું ન હતું તેની મોદી પૂજા કરે છે, વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન ભારતની વિકાસ યાત્રાને દર્શાવે છે.


આ આયોજન માટે નાબાર્ડ અને અન્ય સહયોગીઓને અભિનંદન. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ગામના લાખો ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી મળે છે. લોકોને દોઢ લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાંથી વધારે સારી સ્વાસ્થ્ય સેવા પ્રાપ્ત થઈ રહી છે. આજે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી સારામાં સારા ડૉક્ટરો અને હોસ્પિટલો પણ ગામડા સાથે કનેક્ટ થઈ રહી છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે જરૂરી છે કે આર્થિક નીતિઓ ગામના દરેકે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. પાછલા 10 વર્ષમાં અમારી સરકારે આ કામ કર્યું છે. બે દિવસ અગાઉ જ કેબિનેટે પીએમ ફસલ યોજનાને વધુ એક વર્ષ લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદ કરાઈ

વડાપ્રધાને જણાવ્યું હતું કે પીએમ કિસાન સમ્માનનિધિ મારફત દેશના ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હતી. પાછલા 10 વર્ષમાં કૃષિ ઋણમાં સાડા ત્રણ ગણો વધારો કરી દેવાયો છે. હવે પશુપાલકો અને માછલી પકવનારાઓને પણ કિસાન ક્રેડિટકાર્ડ આપવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે તે માટે વર્ષ 2021માં એક અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી.


  • Follow us on: