- મની લોન્ડ્રિંગ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
- અરવિંદ કેજરીવાલની જામીન અરજીને લઇને થઇ દલીલો
- ED વતી એએસજી એસવી રાજુએ કરી દલીલ
દિલ્હી લીકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહી તેને લઇને સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ED વતી એએસજી એસવી રાજુ દલીલ કરી હતી. જો કે કોર્ટે કેજરીવાલના વચગાળાની જામીન અરજી પર આજે કોઇ નિર્ણય આપ્યો ન હતો. બેંચ નિર્ણય સંભાળાવ્યા વિના જ ઉભી થઇ ગઇ હતી. કારણ કે આ અંગે હજી દલીલો પૂર્ણ થઇ ન હતી.
9મેએ સુનાવણી
મહત્વનું છે કે કેજરીવાલના વચગાળાના જામીન અંગે દલીલ પૂર્ણ થવાની બાકી છે. જેથી સુપ્રિમ કોર્ટે જામીન અંગે કોઇ આદેશ જાહેર કર્યો નહી. 9મેના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે.
શું કહ્યુ સુપ્રિમ કોર્ટે ?
સુપ્રિમ કોર્ટે આ અંગે કહ્યુ કે કેજરીવાલ ચૂંટાયેલા સીએમ છે. કેજરીવાલ અન્ય કોઇ મામલામાં સામેલ નથી. વધુમાં જણાવ્યું કે ચૂંટણી કેમ્પેઇનથી કોઇ નુકસાન નથી. ચૂંટણી પાંચ વર્ષે આવે છે. તો ઇડીએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માંગે છે. સાથે જ કોર્ટે જણાવ્યું કે આ અસાધારણ સ્થિતિ છે. કોર્ટ તરફથી કોઇ ખોટો સંદેશ ન જવો જોઇએ.
આપ નેતા અને સામાન્ય નાગરિક માટે કાયદો અલગ નહી
કોર્ટે કહ્યું કે અંતિમ આદેશ આપતા પહેલા અમે ઘણીવાર વચગાળાના આદેશો આપીએ છીએ. અમે એ વાતમાં નથી જઈ રહ્યા કે તે રાજકીય વ્યક્તિ છે કે નહીં. તેના બદલે, અમે જોઈ રહ્યા છીએ કે આ કેસ સાચો છે કે નહીં. આમાં અપવાદરૂપ કેસમાં જામીન પર વિચાર કરી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેમને સત્તાવાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સુપ્રિમમાં પડકારી હતી જામીન અરજી
મહત્વનું છે કે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને પડકારતી તેમની અરજી પર કેજરીવાલે હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં તેમની ધરપકડને યોગ્ય ઠેરવવામાં આવી છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ છે. હાલ જામીનને લઇને સુનાવણી ચાલી રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના સૌથી મોટા ગઢ ગણાતા દિલ્હીમાં 25 મેના રોજ મતદાન થવાનું છે.
21 માર્ચે કરી હતી ધરપકડ
અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે 3 મેના રોજ કહ્યું હતું કે તે ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. જો કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જામીન આપવામાં આવશે કે નહીં તે સુનાવણી પછી નક્કી કરવામાં આવશે.









