કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વિશ્વની અલગ અલગ જેલોમાં ભારતના 10,152 કેદીઓ કારાવાસ ભોગવી રહ્યા છે. તેમાં વિચારાધીન અને સજા ભોગવી રહેલા એમ બંને પ્રકારના કેદીઓનો સમાવેશ થાય છે.


સાઉદી અરબની જેલોમાં ભારતના સૌથી વધુ 2,633 કેદીઓ કેદ છે. અમેરિકાની જેલમાં માત્ર 169 ભારતીય નાગરિકો કેદ છે. ઉલ્લેખનીય છે કે હજી ગયા સપ્તાહે જ 104 ભારતીય નાગરિકોને હદપાર કર્યા હતા. આવનારા દિવસમાં વધુ ભારતીય નાગરિકો હદપાર થવાના છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારતના 266 તો નેપાળની જેલમાં 1,317 ભારતીયો કેદ છે. તે જ પ્રમાણે શ્રીલંકામાં 98, બાંગ્લાદેશમાં માત્ર 4, ચીનમાં 173 તો ભુતાનમાં 69 ભારતીયો જેલોમાં કેદ છે. વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધનસિંહે ગુરુવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેએ સરકારને પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ જાણકારી આપી હતી. વિદેશ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે,'વિશ્વના વિવિધ દેશોની જેલોમાં ભારતના 10,152 કેદી બંધ છે. તે પૈકી વિચારાધીન કેદીઓની સંખ્યા 2,684 છે.'

વિદેશ રાજ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે કેટલાક દેશો તેમના ગોપનીયતા કાયદાઓને કારણે સંબંધિત વ્યક્તિ સરકારને તેના અંગેની જાણકારી શેર કરવા મંજૂરી ના આપે ત્યાં સુધી તેમના દેશની જેલમાં કેદ વ્યક્તિની જાણકારી નથી આપતી. દેશો આવા કેદીઓ અંગેની વિસ્તૃત જાણકારી નથી જ આપતા. સાઉદી અરબની જેલોમાં સૌથી વધુ 1,226 વિચારાધીન કેદી કેદ છે.ભારતના 294 નાગરિકો યુએઇની જેલોમાં વિચારાધીન કેદી છે. પાડોશી દેશોની વાત કરવામાં આવે તો અહીં 27 ભારતીય નાગરિકો વિચારાધીન કેદી છે. બાંગ્લાદેશમાં ચાર, ભુતાનમાં 8, શ્રીલંકામાં 44, મ્યાંમારમાં 6 તો ચીનમાં 95 ભારતીય નાગિરિકો વિચારાધીન કેદી છે.

વિદેશોની જેલોમાં કેદ ભારતીય નાગરિકો અંગે અને તેમને ત્યાં કોઇ તકલીફ પડતી હોય તો તે બાબતે સરકાર દ્વારા જે-તે દેશ સમક્ષ આ પ્રશ્નો નિયમિત રીતે ઊઠાવાતા હોય છે.


  • Follow us on: