નેસ્લે, પેપ્સિકો અને યુનિ લિવર જેવી કેટલીક મોટી ફૂડ અને ડ્રિન્ક કંપનીઓ ભારત સહિત ઓછી આવક ધરાવતા દેશોમાં હલકી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચતી હોવાનું એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે, જેના પગલે આવી પ્રોડક્ટ્સની જાહેર જનતા પર અસરને લઈને ચિંતા જન્મી છે.
એક્સેસ ટુ ન્યુટ્રિશન ઇનિશિયેટિવ (ATNI) દ્વારા પ્રકાશિત એક ગ્લોબલ ઇન્ડેક્સ અનુસાર નેસ્લે, પેપ્સિકો અને યુનિ લિવર સહિતની કંપનીઓ લો-ઇન્કમ કન્ટ્રીઝમાં હેલ્થ રેટિંગ સિસ્ટમમાં ઓછો સ્કોર ધરાવતી પ્રોડક્ટ્સ વેચતી હોવાનું માલૂમ પડયું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વિકસિત રેટિંગ સિસ્ટમમાં જાણવા મળ્યું છે કે ઓછી આવક ધરાવતા દેશો માટે સરેરાશ સ્કોર 5માંથી 1.8 હતો જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશો માટે 2.3 હતો. સિસ્ટમ હેઠળ 3.5થી વધુ સ્કોર ધરાવતા ઉત્પાદનોને આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. નોન-પ્રોફિટ ગ્રૂપે આવી 30 કંપનીઓનું મૂલ્યાંકન કર્યું હતું. ATNIના રિસર્ચ ડાયરેક્ટર માર્ક વિજને જણાવ્યું હતું કે આ કંપનીઓ જ્યાં વધુ સક્રિય છે તેવા વિશ્વના સૌથી ગરીબ દેશોમાં જે પ્રોડક્ટ્સ વેચી રહી છે તે હેલ્ધી નથી.
વિશ્વની 70 ટકા વસ્તી ઓછી આવક ધરાવતા દેશોમાં રહે છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ પૃથ્વી પર એક અબજથી વધુ લોકો સ્થૂળકાય છે અને વિશ્વની 70 ટકા વસ્તી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. ફાસ્ટ ફૂડ અને નાસ્તા જેવા કે પોટેટો ચિપ્સ, કોલા બેવરેજિસ વૈશ્વિક સ્તરે સ્થૂળતા વધારતા પરિબળો હોવાનું જણાયું છે. ભારતમાં 'ફૂડ ફાર્મા' તરીકે જાણીતા રેવંત હિમાત્સિન્કા જેવા ઇન્ફ્લુએન્સર્સ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સ્વાસ્થ્ય ઉલ્લંઘનો સામેની લડાઈમાં મોખરે રહ્યા છે. તેમણે આ કંપનીઓના ઉત્પાદનોની ટીકા બદલ કંપનીઓની કાનૂની કાર્યવાહીનો સામનો પણ કરવો પડયો છે. હિમાત્સિન્કાએ નેસ્લેના સેરેલેક, કિસાનના ટોમેટો કેચઅપ જેવા ઉત્પાદનોમાં ખામીઓની વાત કરી છે.

  • Follow us on: