• ઇલેક્શન વૉચડોગ દ્વારા ત્રીજા તબક્કાના 1,352 ઉમેદવારોનું વિશ્લેષણ

  • ત્રીજા તબક્કાના 29 ટકા ઉમેદવારો કરોડપતિ હોવાનું પણ સામે આવ્યું
  • ત્રીજા તબક્કામાં ઊભા રહેલાં ઉમેદવારોમાંથી 392 ઉમેદવારો કરોડપતિ છે

ખાનગી ઇલેક્શન વૉચડોગ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સના એક વિશ્લેષણ અનુસાર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 13 ટકા ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જ્યારે 29 ટકા ઉમેદવારો કરોડપતિ છે. આગામી સાત મેના રોજ ત્રીજા તબક્કાના મતદાનમાં જે 1,352 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે તેમાં 172 ઉમેદવારો સામે ગંભીર અપરાધિક કેસ ચાલી રહ્યા છે. તેમાં પાંચ પર હત્યાના આરોપો છે તો અન્ય 24 પર હત્યાના પ્રયાસનો આરોપ સામેલ છે. 38 ઉમેદવારો સામે મહિલા વિરુદ્ધના અપરાધો નોંધાયા છે જેમાં બે ઉમેદવારો સામે બળાત્કારની ફરિયાદ છે. જ્યારે પાર્ટી અનુસાર આવા ઉમેદવારોની વાત આવે છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના 14-14 ઉમેદવારો સામે ગંભીર અપરાધિક કેસ દાખલ થયેલાં છે.

પાંચ ઉમેદવારો પાસે કોઈ સંપત્તિ નથી

એડીઆરના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ત્રીજા તબક્કામાં ઊભા રહેલાં ઉમેદવારોમાંથી 392 ઉમેદવારો કરોડપતિ છે. તેમાં 77 ઉમેદવારો ભાજપના છે અને તેના પછી બીજા ક્રમે 60 ઉમેદવારો કોંગ્રેસના છે. જો કે પાંચ ઉમેદવારો એવા પણ છે કે જેમની પાસે કોઈ સંપત્તિ નથી.

ભાજપના પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો સૌથી અમીર ઉમેદવાર

ભાજપના દક્ષિણ ગોવાના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો 1,361.68 કરોડની કુલ સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે. બીજા ક્રમ પર ગુનામાંથી ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તિ રૂ. 424.74 કરોડની છે. ત્રીજા ક્રમ પર કોંગ્રેસના કોલ્હાપુર બેઠક પરના ઉમેદવાર છત્રપતિ શાહૂ શાહજી આવે છે જેમની કુલ સંપત્તિ રૂ. 342.86 કરોડની છે.


  • Follow us on: