ભ્રષ્ટાચાર અટકાયતી ધારા હેઠળ નોંધાતા દરેક કેસમાં પ્રાથમિક તપાસ બાદ કેસ નોંધવો ફરજિયાત ન હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે.
કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક તપાસ આરોપીનો સ્થાપિત અધિકાર નથી. ભ્રષ્ટાચાર અટકાયતી ધારા હેઠળ નોંધાતા સહિતના ભ્રષ્ટાચારના અમુક કેટેગરીના કેસોમાં પ્રાથમિક તપાસ ઇચ્છનીય છે પરંતુ ભ્રષ્ટાચારનો ફોજદારી કેસ નોંધવા માટે પ્રાથમિક તપાસ અનિવાર્ય પૂર્વશરત નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે ઠરાવ્યું કે પ્રાથમિક તપાસનો હેતુ પ્રાપ્ત માહિતીની સત્યતા ચકાસવાનો નહીં પણ માત્ર એ નક્કી કરવાનો છે કે ઉપરોક્ત માહિતીથી કોઇ કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે કે નહીં?
ભ્રષ્ટાચાર અટકાયતી ધારા હેઠળના દરેક કેસમાં પ્રાથમિક તપાસ અનિવાર્ય નથી. જો કોઇ ઉચ્ચ અધિકારી એવા સોર્સ ઇન્ફર્મેશન રિપોર્ટની તપાસમાં હોય કે જે વિગતવાર અને સારી રીતે તર્કબદ્ધ હોય અને કોઇપણ વાજબી વ્યક્તિ એવું માને કે તે પ્રથમ દૃષ્ટિએ ગુનો થયો હોવાનું જાહેર કરે છે તો પ્રાથમિક તપાસ ટાળી શકાય છે. કર્ણાટક સરકાર દ્વારા રાજ્યની હાઇકોર્ટના માર્ચ 2024ના ચુકાદાને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટે કર્ણાટક લોકાયુક્ત પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર અટકાયતી ધારા હેઠળ ગુનાઓ માટે એક સરકારી કર્મી સામે દાખલ એફ્આઇઆર રદ કરી હતી. આ સરકારી કર્મી સામે અપ્રમાણસર સંપત્તિનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટ એ મુદ્દે સુનાવણી કરી રહી હતી કે શું ભ્રષ્ટાચાર અટકાયતી ધારા હેઠળના કેસોમાં એફઆઇઆર નોંધતા પહેલાં પ્રાથમિક તપાસ ફ્રજિયાત છે કે નહીં અથવા શું સોર્સ ઇન્ફર્મેશન રિપોર્ટને પ્રાથમિક તપાસનો વિકલ્પ ગણી શકાય? સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે હાલમાં આ સિદ્ધાંતોને કેસમાં લાગુ કરતા એ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારના આરોપી સરકારી કર્મી સામે કેસ નોંધવા માટે પ્રાથમિક તપાસ કરવી અનિવાર્ય નથી.