- રિયલ એસ્ટેટમાં સરકારે LTCG ઇન્ડેક્સેશનમાં સુધારો રજૂ કર્યો
- આ વિકલ્પ 23 જુલાઇ, 2024 પૂર્વે ખરીદેલી મિલકતો માટે જ લાગુ
- બજેટમાં નાણાપ્રધાને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો
કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ, 2024માં એક સુધારો રજૂ કર્યો છે, જે અંતર્ગત કરદાતાઓ 23 જુલાઇ, 2024 પૂર્વે ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેક્સેશન વિના 12.5 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ કે ઇન્ડેક્સેશન સાથે 20 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એમ બે વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરી શકશે.
સરકારે 23 જુલાઇ પહેલાં ખરીદવામાં આવેલી અનલિસ્ટેડ સિક્યોરિટીઝ 10% LTCG પર પાછી લાવવાની પણ દરખાસ્ત કરી છે. ગયા મહિને બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો હતો. જોકે 2001માં કે તે પછી ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરી દેવાયો હતો. મતલબ કે સ્થાવર મિલકત વેચનારે ફુગાવો એડજસ્ટ કર્યા વિના સમગ્ર ગેઇન પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ચૂકવવો પડે. બજેટની આ જોગવાઇને પગલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અવઢવ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ઇન્ડેક્સેશન લાભને કારણે સ્થાવલ મિલકત વેચનાર વ્યક્તિ કેપિટલ ગેઇન્સની ગણતરી કરતી વખતે ફુગાવાની અસર એડજસ્ટ કરી શકતી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ્ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા પ્રકાશિત કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સના આધારે ફુગાવાની અસરની ગણતરી કરવામાં આવતી હતી. ઇન્ડેક્સનો આધાર 1 એપ્રિલ, 2001 નક્કી કરવામાં આવ્યો હતો અને તેની વેલ્યૂ 100 હતી. ANAROCK ડેટા મુજબ બાંધકામ હેઠળની મિલકતોની સરેરાશ કિંમત લગભગ સાત ગણી વૃદ્ધિ પામી છે જ્યારે એકંદરે રિયલ એસ્ટેટ સેક્ટર 2009થી લગભગ ચાર ગણું વધ્યું છે.
નિર્મલા સીતારામન નાણાવર્ષ 2024-25 માટેનું ફાઇનાન્સ બિલ આજે બુધવારે લોકસભામાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરશે. આ બિલ બજેટ દરખાસ્તો લાગુ કરવા માટે જરૂરી છે, જેને સંસદના બંને ગૃહોની મંજૂરી જરૂરી છે. ગત 23 જુલાઇએ રજૂ કરાયેલું બજેટ 22 જુલાઈએ સત્ર શરૂ થયું ત્યારથી સંસદીય સમીક્ષા હેઠળ છે.
લિસ્ટેડ ઈક્વિટી શેર કે મ્યુચ્યુલ ફંડ માટે કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી
નાણાપ્રધાને મંગળવારે રજૂ કરેલા સુધારામાં લિસ્ટેડ ઈક્વિટી શેર કે મ્યુચ્યુઅલ ફંડ માટે કોઈ રાહત જાહેર કરી નથી. તેવી જ રીતે અનલિસ્ટેડ સિક્યુરિટી કે જેની ખરીદી જુલાઈ-2023 અગાઉ થઈ હોય તેના પરનો લાંબા ગાળાનો કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકા કરાયો છે.