નવી દિલ્હી રેલવે સ્ટેશને શનિવારે રાત્રે થયેલી ભાગદોડમાં 18 લોકોનાં મોત થયા પછી રેલવેએ સ્ટેશનો પર ભીડને કાબૂમાં રાખવા 60 સ્ટેશનો પર સ્થાયી હોલ્ડિંગ ઝોન બનાવવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત ભીડને અંકુશમાં રાખવા અને સંકટ નિવારવા AI ટેકનિકનો ઉપયોગ કરાશે. રેલવેનાં અધિકારીઓને આ માટે ખાસ તાલીમ અપાશે. પ્રવાસીઓ સલામત રીતે આવ-જા કરી શકે તે માટે તીરનાં નિશાનનો ઉપયોગ કરીને દિશાસૂચનો કરાશે. જ્યાં જરૂર જણાશે ત્યાં ડિવાઈડરનો ઉપયોગ કરાશે. પ્રયાગરાજ સાથે જોડાયેલા 35 રેલવે સ્ટેશનો પર ભીડને અંકુશમાં રાખવા સખત દેખરેખ રખાશે. રેલવેનાં અધિકારીઓ દ્વારા તેને કેન્દ્રીય નિયંત્રણ કક્ષમાંથી મોનિટર કરાશે.
નવી દિલ્હી સ્ટેશને ભીડને અંકુશમાં રાખવા 200 નવા CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. મહાકુંભમાં આવનારા 90 ટકા શ્રાદ્ધાળુઓ 300 કિ.મીનાં દાયરામાં આવેલા 4રાજ્યોમાંથી આવતા હોવાથી આ રાજ્યોનાં મુખ્ય સ્ટેશનો પર દેખરેખ વધારવામાં આવી છે.
રેલવે દ્વારા જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે
રેલવે સ્ટેશનો પર ભીડ ન થાય કે ઓછી થાય તે માટે તમામ સ્ટેશનો પર પ્રવાસીઓમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રોઉડ મેનેજમેન્ટ કરાશે. ખાસ કરીને જ્યારે ટ્રેનો મોડી હોય ત્યારે વિશેષ દેખરેખ રાખવામાં આવશે. પ્રયાગરાજથી જોડાયેલા 35 સ્ટેશનો પર સેન્ટ્રલ વૉર રૂમથી દેખરેખ રાખવામાં આવશે. જે પ્રવાસીઓ ફૂટ ઓવર બ્રિજ પર અને નીચે ઊતરવા માટેનાં દાદરા પર બેઠા હોય ત્યાં કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. પ્રવાસીઓ, કુલીઓ તેમજ દુકાનદારો પાસેથી આ માટે અભિપ્રાયો મેળવવામાં આવશે.