એક સમય હતો કે જ્યારે બહાર જમવા જવું એક લક્ઝરી હતી. કોઇ તહેવારમાં કે ખાસ દિવસે મમ્મી-પપ્પા સાથે બહાર જમવા જવાનું થતું પણ બદલાતી જીવનશૈલી અને વીકએન્ડ કલ્ચરે બહાર જમવાનું સાવ કોમન કરી દીધું છે, જેની ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર થઇ રહી છે.
આજકાલ બાળકોના ડાયટમાં પિઝા-બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિન્ક જાણે રોજની વાત થઇ ગઇ છે. એક નવા સ્ટડીમાં દાવો કરાયો છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના સતત વધતા ઉપયોગને કારણે ભારતીયોમાં ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી ગયું છે. ભારતના દરેક ઘરમાં ગ્રિલ્ડ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ થાય છે, જે દેશમાં ડાયાબિટીસના સતત વધતા કેસોનું સીધું કારણ છે. ભારતમાં ડાટાબિટીસના દર્દીઓની સંખ્યા 10.10 કરોડ છે. રેડ મીટ, ફ્રેન્ચ ફ્રાઇઝ, તળેલી ખાદ્ય ચીજો, બેકન, બેકરી પ્રોડક્ટ્સ, બિસ્કિટ, બટર અને માર્જરીન જેવા ખાદ્ય પદાર્થો AGEsથી ભરપૂર હોય છે.










