વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે આજે મહત્ત્વના નિર્ણય લીધા હતા. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે. મેઘાવી વિદ્યાર્થીઓને અભ્યાસમાં અડચણનો સામનો ના કરવો પડે તે હેતુસર આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ શૈક્ષણિક લોન મળશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે સસ્તા વ્યાજદરે રૂપિયા 10 લાખ સુધીની લોન મળશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ માટે વિદ્યાર્થી લોન મેળવી શકશે. ગુણવત્તા પૂર્ણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મળી શકશે. અભ્યાસક્રમ સંબંધિત ટયૂશન ફી અને અન્ય ખર્ચાને સામેલ રાખીને લોન મળી શકશે. બેન્ક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ગેરંટી મુક્ત લોન મળી શકશે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ખાદ્યાન્નની ખરીદીમાં ભારતીય ખાદ્ય નિગમ (એફલીઆઇ)ની મોટી ભૂમિકા રહેતી હોય છે. કેન્દ્ર સરકારે એફસીઆઇને મજબૂત કરવા નિર્ણય લીધો છે.
કયા વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મળશે?
વૈષ્ણવે જણાવ્યું કે જે કુટુંબની વાર્ષિક પારિવારિક આવક રૂપિયા 8 લાખ હશે તે પરિવારના વિદ્યાર્થીઓને પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 3 ટકાના વ્યાજદરે રૂપિયા 10 લાખની શૈક્ષણિક લોન મળી શકશે. તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 7.5 લાખ સુધીની લોન પર ભારત સરકાર 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે. વૈષ્ણવે કહ્યું હતું કે મિશન મોડ પર તંત્ર શિક્ષણના વિસ્તારને સુગમ કરવામાં આવશે.

  • Follow us on: