દિલ્હી પોલીસે રૂ. 500 કરોડના છેતરપિંડી એપ આધારિત કૌભાંડમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણ લોતોને સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500થી વધુ ફરિયાદો મળી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સે તેમના પેજ પર HIBOX મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ્લિકેશન દ્વારા રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.


કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ

પોલીસે જણાવ્યું કે, આ કૌભાંડના મુખ્ય આરોપી ચેન્નાઈના રહેવાસી શિવરામ (30)ની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ સૌરવ જોશી, અભિષેક મલ્હાન, પુરવ ઝા, એલ્વિશ યાદવ, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત અને દિલરાજ સિંહ રાવત સહિતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સે એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને લોકોને એપના માધ્યમથી રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.

શરૂઆતના પ્રથમ પાંચ મહિનામાં મળ્યું સારૂ રિટર્ન

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IFSO સ્પેશિયલ સેલ) હેમંત તિવારીએ જણાવ્યું હતું કે, HIBOX એક મોબાઇલ એપ્લિકેશન છે, જે એક સુનિયોજિત કૌભાંડનો ભાગ છે. DCPએ જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન દ્વારા આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકા વળતરની ખાતરી આપી હતી, જે એક મહિનામાં 30થી 90 ટકા જેટલી છે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં 30,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું. પ્રથમ પાંચ મહિનામાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે.

જુલાઈથી પેમેન્ટ બંધ

જો કે, જુલાઈથી એપ્લિકેશને તકનીકી ખામીઓ, કાયદાકીય સમસ્યાઓ, GST સમસ્યાઓ વગેરેનો હવાલો આપીને પેમેન્ટ બંધ કરી દીધું હતું. DCP તિવારીએ કહ્યું કે, 'કથિત કંપનીઓ ઉત્તરપ્રદેશના નોઈડામાં તેમની ઓફિસ બંધ કર્યા પછી ગાયબ થઈ ગઈ.' પોલીસે જણાવ્યું કે, માસ્ટરમાઇન્ડ શિવરામની ધરપકડ કરવામાં આવી છે અને તેના ચાર અલગ-અલગ બેન્ક ખાતામાંથી 18 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

ઓગસ્ટમાં FIR નોંધવામાં આવી હતી

16 ઓગસ્ટના રોજ ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) પોલીસને HIBOX એપ્લિકેશન સામે 29 પીડિતો તરફથી ફરિયાદો મળી હતી. ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓને તેમના રોકાણ પર ઉચ્ચ વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટના રોજ સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ FIR નોંધી હતી.

અલગ-અલગ જગ્યાએથી લોકોએ નોંધાવી ફરિયાદ

તપાસ દરમિયાન સાયબર ઉત્તરપૂર્વ જિલ્લાના નવ લોકો દ્વારા HIBOX એપ્લિકેશન સામે પણ ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી આવી છે. જેમની સાથે આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી હતી. આ નવ કેસ IFSOને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસને પૂર્વોત્તર જિલ્લા, બાહ્ય જિલ્લા, શાહદરા અને NCRP પોર્ટલ પરથી 500થી વધુ ફરિયાદો મળી છે.

પેમેન્ટ ગેટવે અને બેન્ક એકાઉન્ટની વિગતો એકત્રિત કરાઈ

DCPએ કહ્યું કે, 'અમારી ટીમે છેતરપિંડી સાથે સંકળાયેલા પેમેન્ટ ગેટવે અને બેન્ક એકાઉન્ટની વિગતો એકત્રિત કરી છે. વ્યવહારોના પૃથ્થકરણથી ટીમને ચાર ખાતાઓ ઓળખવામાં મદદ મળી જેનો ઉપયોગ છેતરપિંડી કરાયેલા ભંડોળને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, 127 ફરિયાદો એકસાથે એકત્રિત કરવામાં આવી છે અને EASEBUZZ અને PhonePeની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

  • Follow us on: