- વેસ્ટર્ન ડિસ્ટબન્સની દિલ્હીમાં અસર
- વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ
- તાપમાનમાં મોટા ફેરફાર થઈ શકે છે
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થયા બાદ એની સીધી અસર ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં સમયાંતરે જોવા મળી રહી છે. ખાસ કરીને દિલ્હીમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈને દિલ્હીમાં પ્રદુષણ પણ ચિંતાજનક સપાટી સુધી પહોંચી ગયું છે. રાજધાની દિલ્હીમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પણ એ સિવાયના સમયમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પા પા પગલી કરતો શિયાળો શરૂ થવામાં છે પણ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણે દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે.
દિલ્હીમાં ઠંડી શરૂ
રાજધાની દિલ્હીમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ પોતાના એસી અને પંખા હવે બંધ કરવા પડે એવી સ્થિતિ છે. પણ તારીખ 21 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં ભારે પ્રદુષણ જોવા મળ્યું હતું. જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. વાહનચાલકોએ દિવસના સમયે પણ લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી. દેશના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 23 ઑક્ટોબર સુધીમાં વરસાદ થઈ શકે છે. જેથી આ પ્રદુષણમાંથી આંશિક રાહત મળી રહેશે. દિલ્હીમાં શનિવારે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 217 સુધી નોંધાઈ હતી. 0-50 સુધીના પોઈન્ટને એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સારી હવા માનવામાં આવે છે. જ્યારે 51-100ની વચ્ચે કોઈ ઈન્ડેક્સ જોવા મળે તો એને સંતોષકારક માનવામાં આવે છે. જ્યારે 101થી 200 સુધીના પોઈન્ટને મધ્યમ ગણવામાં આવે છે.
ઠંડીની અસર વર્તાશે
જ્યારે 201થી 300 સુધીના પોઈન્ટને ખરાબ માનવામાં આવે છે. જ્યારે 401થી 500 સુધીના એક્યુઆઈને સ્થિત ગંભીર હોવાનું માનવામાં આવે છે. શનિવારે સમગ્ર દિવસ દરમિયાન દિલ્હીનું હવામાન સાફ રહ્યું હતું. પણ વહેલી સવારે પ્રદુષણને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. 23 ઑક્ટોબર સુધીમાં દિલ્હીમાં ભારે વરસાદ થવાની પૂરી સંભાવનાઓ છે. જોકે, ઠંડીની અસર ધીમે ધીમે આખા દેશમાં શરૂ થશે એવી સંભાવના છે.









