• આસામને પૂર પ્રકોપનો સામનો કરવા રાહત પેકેજ મળવું જોઈએ

  • રાહત કેમ્પમાં 20 મિનિટ પીડિતોની વ્યથા સાંભળી, પીડિતોએ મુદ્દાઓનું મેમોરેન્ડમ સોંપ્યું
  • પીડિતોએ કહ્યું કે રાહુલ ગાંધી તેમને મળવા આવનારા પહેલા નેતા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે આસામમાં પૂરથી પ્રભાવિત લોકોને અને હિંસાથી પ્રભાવિત મણિપુરમાં રાહત છાવણીમાં રહેલા લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. રાહુલ ગાંધી આ બંને રાજ્યના અસરગ્રસ્તોનો મુદ્દો કેન્દ્રમાં ઉઠાવશે તેમ જણાવ્યું હતું.

સોમવારે સવારે રાહુલ ગાંધી આસામના સિલચર એરપોર્ટ પર ઊતર્યા હતા. અહીંથી તેઓ લખીપુરના હમરખાવલીન વિસ્તારમાં થલાઈમાં એક રાહત કેમ્પમાં ગયા હતા. આ રાહત કેમ્પમાં તેઓ 20 મિનિટ જેટલું રોકાયા હતા અને પીડિતો સાથે વાત કરીને તેમની વ્યથાકથા સાંભળી હતી અને આશ્વાસન આપ્યું હતું કે તેઓ સંસદમાં તેમનો મુદ્દો ઉઠાવશે. પીડિતોએ કહ્યું કે રાહુલ ગાંધી તેમને મળવા આવનારા પહેલા નેતા હતા. તેમણે પોતાની સમસ્યાઓના મુદ્દોનું એક મેમોરેન્ડમ રાહુલ ગાંધીને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે મણિપુરના જિરીબામની નજીક 1,700 લોકોએ ગયા મહિને હિંસાનો સામનો કરી રહેલા રાજ્યમાં વધતી હિંસાની ઘટનાઓ બાદ પડોશી રાજ્ય આસામમાં શરણ લીધું છે.

પૂરથી તારાજીનો સામનો કરવા રાહત પેકેજની માગ

આસામ પહોંચેલા રાહુલ ગાંધીને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાએ એક પત્ર સોંપ્યો હતો જેમાં આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ વિનાશકારી પૂરના મુદ્દાને કેન્દ્ર સમક્ષ ઉઠાવે જેથી પૂરથી થયેલા ભારે નુકસાન માટે પૂરતી રાહત અને વળતર મળી શકે. તેમણે માગણી કરી હતી કે કેન્દ્ર તરફથી પૂર પ્રકોપનો સામનો કરવા માટે રાહત પેકેજ મળવું જોઈએ. અહીં રાહુલ ગાંધી કછાર જિલ્લાના ફુરેથલમાં એક રાહત છાવણીમાં પૂર પીડિતોને મળ્યા હતા.

  • Follow us on: