દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વખતે તો ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે હજી પણ કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ જ છે. ત્યારે વાત કરીએ દિલ્હીની તો, દિલ્હીમાં મેઘો મૂશળધાર વરસતા ઠેર ઠેર વરસાદી પાણીભરાયા છે.
વાહનચાલકો પરેશાન
શુક્રવારે સવારે રાજધાની દિલ્હી સહિત નોઈડા અને ગુરુગ્રામમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે થોડીવારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીના નજફગઢ રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ ગુરુગ્રામમાં વરસાદને કારણે સેક્ટર 52 Aમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને પાણી ભરાવાને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગુરુવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો હતો. પ્રાદેશિક હવામાન વિભાગના કેન્દ્ર અનુસાર ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે સામાન્યથી એક ડિગ્રી ઓછું રહ્યું. જ્યારે લઘુત્તમ તાપમાન 23.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની માનક વેધશાળા સફદરજંગમાં સાંજે 5.30 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. આયા નગરમાં સૌથી વધુ 53 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રીજ વિસ્તારમાં 16.8 મીમી, પાલમમાં 7.9 મીમી અને લોધી રોડમાં 7.8 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે શુક્રવારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.









