- દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
- જળમંત્રી આતિશીના ઘર બહાર પણ ભરાયા પાણી
- પાણી માટે જ આતિશી ઉતર્યા હતા ઉપવાસ પર
દિલ્હીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજધાનીમાં મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. છેલ્લા કેટલાક મહિનાથી દિલ્હીમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો હતો. પાણીની માગને લઇને દિલ્હીના જળમંત્રી આતિશી ધરણા કરવા બેઠા હતા. પરંતુ હવે સ્થિતિ એવી ઉભી થઇ છે કે તેમના ઘરની અંદર અને બહાર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે.
વીડિયો થયો વાયરલ
આતિશીના ઘરની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આતિશીના ઘરની બહાર પાણી છે. પાણી માત્ર બહાર જ નહીં અંદર પણ જોઈ શકાય છે.મહત્વનું છે કે જળ મંત્રી આતિશીએ દિલ્હીમાં પાણીની માંગને લઈને અનિશ્ચિતકાળના ઉપવાસ પર કર્યા હતા. પરંતુ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
તો હવે ઉપવાસ નહી કરો?,BJPએ કર્યો કટાક્ષ
દિલ્હીની આવી સ્થિતિને પગલે દિલ્હી બીજેપી સેક્રેટરી ઈમ્પ્રીત સિંહ બક્ષીએ આપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીની જંગપુરા વિધાનસભા દિલ્હીના મુખ્યમંત્રીના આવાસથી માત્ર 5 કિલોમીટર દૂર છે અને સચિવાલયથી માત્ર 2 કિલોમીટર દૂર છે. AAPએ તેની કેવી હાલત કરી દીધી છે... દિલ્હીમાં સરકાર તમારી છે, દિલ્હીના મેયર તમારા છે...તો શું આ માટે હવે ઉપવાસ કરીશું તેમ કહીને કટાક્ષ કર્યો છે.
દિલ્હીમાં ઠેર ઠેર ભરાયા પાણી
મહત્વનું છે કે દિલ્હી-NCRમાં શુક્રવારે વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજધાનીમાં રેકોર્ડ બ્રેક વરસાદ થતા દિલ્હીના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા છે. તમામ વિસ્તારો અને વસાહતો પાણીમાં ડૂબી ગયેલી દેખાય છે.1936 પછી જૂન મહિનામાં 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. તે વર્ષે 28 જૂને 235.5 મીમી વરસાદ થયો હતો. સમગ્ર જૂન મહિનામાં દિલ્હીમાં સરેરાશ 80.6 મીમી વરસાદ પડે છે. છેલ્લા 24 કલાકમાં લગભગ ત્રણ ગણા વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.









