કેન્દ્રીય કૃષિપ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર બેસીને દિલ્હી સુધીનો પ્રવાસ ખેડવો પડયો. તેમણે એર ઇન્ડિયા પ્રતિ નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું કે એર ઇન્ડિયાનું સંચાલન ભારત સરકાર પાસેથી તાતા મેનેજમેન્ટ પાસે જતાં આશા સેવાઈ રહી હતી કે સ્થિતિ સુધરશે, પરંતુ તે ભ્રમ સાબિત થયો.એરલાઇન્સ પ્રવાસીઓને છેતરી રહી છે. શિવરાજસિંહે એક્સ પર પોસ્ટ મૂક્યા પછી એર ઇન્ડિયાએ તેમની માફી માંગી હતી.


શિવરાજસિંહ ચૈહાણે એક્સ પર એક મોટી પોસ્ટ લખીને સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે,'આજે મારે ભોપાલથી દિલ્હી આવવું હતું. પૂસામાં ખેડૂત મેળાનું ઉદ્ઘાટન, કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ મિશનની બેઠક અને ચંડીગઢમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રમાંક એઆઇ436માં ટિકિટ બુક કરાવી હતી. મને બેઠક ક્રમાંક 8સીની ફાળવણી થઈ હતી. હું જઈને સીટ પર બેઠો તો સીટ તૂટેલી હતી. સીટ અંદર ઘૂસી ગઈ. બેસવું તકલીફ દાયક હતું.'

શિવરાજસિંહે આગળ લખ્યું કે,'મેં વિમાનકર્મીઓને પૂછયું કે સીટ ખરાબ હતી તો ફાળવણી શા માટે કરવામાં આવી? તેમણે કહ્યું કે મેનેજમેન્ટને પહેલેથી જણાવ્યું છે કે તે સીટ ઠીક નથી, તેની ટિકિટ વેચવામાં ના આવે. આવી એક નહીં અન્ય સીટ્સ પણ છે.' શિવરાજે કહ્યું કે,'સહપ્રવાસીઓએ મને ઓફર કરી કે હું તેમની સાથે સીટની અદલાબદલી કરીને તેમની સીટ પર બેસી જાઉં. પરંતુ હું મારા માટે કોઈ બીજા મિત્રને તકલીફ શા માટે આપું? મેં નિર્ણય લીધો કે હું તે સીટ પર બેસીને જ સફર કરીશ.'

ભ્રમ તૂટી ગયો : શિવરાજ : શિવરાજે કહ્યું કે,'મારી ધારણા હતી કે તાતા મેનેજમેન્ટે સંચાલન હાથમાં લીધા પછી એર ઇન્ડિયાની સેવા સુધરશે. પરંતુ તે મારો ભ્રમ નીકળ્યો. બેસવાથી મને પહોંચેલા કષ્ટની ચિંતા નથી. પરંતુ પ્રવાસીઓ પાસેથી પૂરા પૈસા વસૂલીને તેમને ખરાબ સીટ પર બેસાડવા અનૈતિક છે. પ્રસાવીઓ સાથે તે છતરપિંડી નથી? એર ઇન્ડિયા ભવિષ્યમાં અન્ય પ્રવાસીને મુશ્કેલી ના પડે તે માટે પગલાં લેશે?'


  • Follow us on: