- યુવાનોમાં તમાકુનાં વધતા વ્યસન તેમજ હ્યુમન પેપિલોમાવાઈરસ (HPV) નું ઈન્ફેક્શન વધતા આ બીમારી વધી
- મોઢાનું કેન્સર થયું હોય તેવા 80થી 90 ટકા દર્દીઓમાં તમાકુ ચાવવાનું કે ધૂમ્રપાન કરવાનું વ્યસન
- ભારતમાં બે તૃતીયાંશ કેન્સર યોગ્ય સ્ક્રીનિંગને અભાવે થાય છે
ભારતમાં કેન્સરનાં દર્દીઓ પૈકી 26 ટકા દર્દીઓને માથામાં તેમજ ગળામાં કેન્સરની ગાંઠ જોવા મળે છે. દેશમાં હેડ એન્ડ નેકનાં કેન્સરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
દેશમાં 1869 કેન્સરનાં દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેનાં તારણમાં જણાયું છે કે માથા અને ગળામાં કેન્સરની ગાંઠ થઈ હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડેનાં દિવસે આ અભ્યાસનાં તારણો જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીની એનજીઓ કેન્સર મુક્ત ભારત ફાઉન્ડેશન દ્વારા આ અભ્યાસ કરાયો હતો જેમાં 1 માર્ચથી 30 જૂન સુધી ડેટા એકઠા કરીને અભ્યાસ કરાયો હતો. કેન્સર મુક્ત ભારત ઝુંબેશનાં હેડ ડૉ. આશિષ ગુપ્તાએ કહ્યું હતું કે ભારતમાં લોકોને માથામાં અને ગળાનાં કેન્સરમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાન વર્ગમાં આ બીમારી વધી છે. યુવાનોમાં તમાકુનાં વધતા વ્યસન તેમજ હ્યુમન પેપિલોમાવાઈરસ (HPV) નું ઈન્ફેક્શન વધતા આ બિમારી વધી છે. જેમને મોઢાનું કેન્સર થયું છે તેવા 80થી 90 ટકા દર્દીઓમાં તમાકુ ચાવવાનું કે ધૂમ્રપાન કરવાનું વળગણ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય કેન્સર શા કારણે થાય છે તેનાં કારણો જાણવા મળતા નથી પણ મોઢું અને ગળાનાં કેન્સર કેમ થાય છે તેની જાણ થતી હોવાથી તેને થતું રોકી શકાય છે. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પણ કેન્સરને રોકી શકાય છે. ગુપ્તાએ કહ્યું કે તમાકુનો ઉપયોગ બંધ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે. રોગની શરૂઆતમાં જ સારવાર અને ચેક અપ દ્વારા કેન્સરને વધતું રોકી શકાય છે.










