- વારંવાર વહેલી સુનાવણી કરવાની માંગ કરતા એડવોકેટ પર CJI ભડક્યા
- મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા એક આદેશને પડકારવામાં આવ્યો
- આ કેસમાં ઉદ્ધવ ઠાકરે ગ્રૂપનાં વકીલે વહેલામાં વહેલી તારીખ આપવા માંગણી કરી હતી
સુપ્રીમ કોર્ટમાં શિવસેનાનાં ધારાસભ્યોની અયોગ્યતાને લગતા કેસમાં સુનાવણી શરૂ કરવાની તારીખ જણાવવા વારંવાર માંગણી કરતા વકીલ પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બગડયા હતા અને તેમણે વકીલને ઝાટકી નાંખતા કહ્યું હતું કે તમે એક દિવસ અહીં બેસો, મને ખાતરી છે કે તમે તમારો જીવ બચાવવા માટે ભાગશો.
સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ મહારાષ્ટ્રનાં રાજકીય વિવાદોને લગતી બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી અંગે તારીખો નક્કી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઉધ્ધવ ઠાકરે ગ્રૂપનાં મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા એક આદેશને પડકારવામાં આવ્યો છે જેમાં સીએમ એકનાથ શિંદેનાં વડપણવાળા શિવસેના ગ્રૂપનું જૂન 2022માં વિભાજન થયા પછી તેને અસલી રાજકીય પક્ષ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી અરજીમાં એનસીપીનાં શરદ પવાર ગ્રૂપનાં ઉપમુખ્યપ્રધાન અજિત પવારનાં નેતૃત્વવાળા ગ્રૂપને અસલી એનસીપી જાહેર કરતા નાર્વેકરનાં ચૂકાદાને પડકારવામાં આવ્યો છે.










