કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘવાયેલાં લોકોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડનારા લોકોને માટેની ઇનામની રકમ વધારીને રૂ. 25000 કરશે. હાલમાં આ રકમ રૂ. 5000 છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સોમવારે પૂણેમાં એક માર્ગ સુરક્ષા અભિયાન કાર્યક્રમ દરમિયાન આ જાણકારી આપી હતી.
બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે તેમણે પોતાના મંત્રાલયને ઇનામની રકમ વધારવા જણાવી દીધું છે. જ્યારે અનુપમે પૂછયું કે આપણે માર્ગ દુર્ઘટનાઓ અંગે ગંભીર કેમ નથી? ત્યારે પ્રધાને જવાબ આપ્યો હતો કે જ્યારે ક્યારેક આવું બને છે ત્યારે આવા મામલાને લઇને આપણે ગંભીર થઇ જતાં હોઇએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટનાઓ રોજિંદી બની જાય છે ત્યારે આપણે તેના અંગે સામાન્ય બની જતાં હોઇએ છીએ. આવા સંજોગોમાં જો આપણે આ દુર્ઘટનાઓને રોકવી છે તો અમે એકલા કશું ના કરી શકીએ. તેના માટે શાળા, કોલેજ, એનજીઓ, ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને અન્ય લોકો જ્યારે જઇ જઇને લોકોને સમજાવશે ત્યારે બદલાવ આવશે.










