ઉત્તર ભારતથી લઇને મહારાષ્ટ્ર સુધી આવનારા દિવસોમાં લૂ અને ભીષણ તાપમાનનો કેર વર્તાવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઇ શકે છે જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા ક્ષેત્રોમાં પણ ભીષણ ગરમી અને સૂકો પવન જારી રહેશે. ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂ ફુંકાવાની સંભાવના છે અને ત્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જમ્મુ-કાશ્મીર જેવા પર્વતાળ રાજ્યમાં પણ તાપમાન સરેરાશથી ઊંચું રહેવાનું અનુમાન છે. કાશ્મીર ખીણમાં ઓછી બરફવર્ષાને કારણે તાપમાનમાં અનપેક્ષિત વૃદ્ધિ જોવા મળી રહી છે, જે પહાડી વિસ્તારોમાં જળસંકટ અને ગ્લેશિયરો પીગળવાની ગતિ વધારી શકે છે. હવામાન ખાતાએ એપ્રિલના ત્રીજા અઠવાડિયાથી મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. લોકોને બપોરે 12થી ચાર વાગ્યા દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવા, પાતળા અને ઢીલા કપડાં પહેરવા અને થોડી થોડી વારે પાણી પીતા રહેવાની હવામાન ખાતા તરફથી સલાહ અપાઇ છે.
દિલ્હીમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે










