કેન્દ્રનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટરવાહન અધિનિયમમાં મહત્ત્વના સુધારા કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. જેમાં મોટરવાહન દુર્ઘટનાનાં દાવાનો 12 મહિનામાં નિકાલ કરવા મંજૂરી આપવાનો, મોટર સાઇકલોને કોન્ટ્રેક્ટ કેરેજ હેઠળ સામેલ કરવાનો અને તેનો વ્યવસાયિક ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.
જેમાં રેપિડો અને ઉબર જેવા એગ્રીગેટર્સને કોન્ટ્રેક્ટ કેરેજની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. કોન્ટ્રેક્ટ કેરેજ એ પ્રવાસીઓને લઈ જવા માટે ભાડેથી લેવાયેલ વાહન છે. હાલના કાયદામાં તમામ વાહનોને કોન્ટ્રેક્ટ કેરેજની મંજૂરી આપવાની જોગવાઈ છે પણ નવા સુધારા મુજબ તેમાં મોટરસાઇકલને સામેલ કરાશે. કેટલાક રાજ્યોમાં રાઈડ હેન્ડલિંગ માટે બે પૈડાંવાળા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી મોટર સાઇકલને કોન્ટ્રેક્ટ કેરેજ ગણીને તેના વેપારી ધોરણે ઉપયોગને મંજૂરી આપવા કાયદામાં સુધારો કરાશે. ટ્રાફિકના ભંગ માટે ડ્રાઇવરોને જવાબદાર ગણાવવા અને અકસ્માતો ઘટાડવા ટ્રાફિકના ભંગ માટેનો દંડ બમણો કરાશે.










