• કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ આ એક્ઝામ લેવાશે

  • એક્ઝામના બે કલાક પૂર્વે જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે
  • કુલ 2.38 લાખ ઉમેદવારો આ એક્ઝામ આપશે

પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની NEET-PG એક્ઝામ એક મહિનાની અંદર લેવાઇ શકે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના કહેવા મુજબ મંગળવારે બપોરે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સરકારની એન્ટી-સાઈબર ક્રાઇમ બૉડીના અધિકારીઓને મળ્યા હતા.

 NEET-PGનું મોનિટરિંગ ગૃહ મંત્રાલય કરશે અને પ્રશ્નપત્ર એક્ઝામના બે કલાક પૂર્વે જ તૈયાર કરાશે. કુલ 2.38 લાખ ઉમેદવારો આ એક્ઝામ આપશે. અગાઉ આ એક્ઝામ ગત 23 જૂને લેવાનારી હતી પરંતુ પેપર લીક સહિતની ગેરરીતિઓના કારણસર 22 જૂને રાત્રે એક્ઝામ મુલતવી રખાઇ હતી. નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS)નાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રો. મીનુ બાજપેઇના જણાવ્યાનુસાર સરકાર કોઇ છીડાં ન રહે તે માટે વિવિધ એજન્સીઓના માધ્યમથી તકેદારી રાખી રહી છે. પેપર લીક મામલે તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય, ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સમગ્ર મામલે વ્યાપક સ્તરે અવલોકન કરી રહ્યા છે. તપાસ પૂરી થવામાં છે. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગરબડ નહીં થાય. પરીક્ષા પારદર્શી રીતે લેવાશે.

1,563માંથી 813 ઉમેદવારોએ રી-એક્ઝામ આપી

NTAના અધિકારીઓના જણાવ્યા મુજબ 1,563 ઉમેદવારોમાંથી 813 ઉમેદવારોએ જ NEET-UGની રી-એક્ઝામ આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર માત્ર 48 ટકા ઉમેદવારોએ જ રી-એક્ઝામ આપી તેનું કારણ એ હોઇ શકે કે બાકીના ઉમેદવારો કદાચ એક્ઝામ રદ થાય તેવું માનતા હશે. તેમણે રી-એક્ઝામમાં ઓછા માર્ક્સ આવવાના ડરથી કે આવતા વર્ષે નવેસરથી એક્ઝામ આપવાના ઇરાદે પણ રી-એક્ઝામ ન આપી હોય તેવું બની શકે છે.

NEET-UGનું કાઉન્સેલિંગ 6 જુલાઇથી શરૂ થશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG 2024 રી-એક્ઝામનું પરિણામ જાહેર કરી દીધું છે. નવા પરિણામ સાથે NEET-UG 2024માં ટોપર્સની સંખ્યા 67થી ઘટીને 61 થઇ છે. આ વર્ષે 13.16 લાખ ઉમેદવારોએ મેડિકલની આ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી છે. એમબીબીએસ, બીડીએસ અને બી.એસસી. નર્સિંગની સીટોની ફાળવણી માટે જવાબદાર ઓથોરિટી મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા 6 જુલાઇથી કાઉન્સેલિંગ શરૂ થશે.

  • Follow us on: