• દિલ્હીથી અમેરિકા જતી ફ્લાઇટને તકનીકી ખામીને લીધે ઇમરજન્સી લેન્ડ કરવી પડી

  • 225 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર્સની મદદ માટે એર ઇન્ડિયાનું વિમાન રવાના કરાયું
  • મુસાફરોએ એક્સ પર પોસ્ટ કરીને એર ઇન્ડિયા સમક્ષ મદદની અપેક્ષા વ્યક્ત કરી હતી

દિલ્હીથી અમેરિકા જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાને રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું પણ ત્યાર બાદ તેમાંના મુસાફરોએ ભારે અગવડોનો સામનો કરવો પડયો હતો. વિમાનમાંથી ઊતરેલા મુસાફરોને એરપોર્ટ પર યોગ્ય ખાવાનું તો ન મળ્યું પણ પાણી પણ ન મળ્યું.

મુસાફરોએ એક્સ પર પોસ્ટ કરીને એર ઇન્ડિયા સમક્ષ મદદની અપેક્ષા વ્યક્ત કરી હતી. અટવાયેલા મુસાફરોની સહાયતા માટે એર ઇન્ડિયાએ મુંબઈથી એક ફ્લાઇટ મોકલી આપી છે. જ્યારે ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને હોટેલ મળી રહે તે માટે રશિયન અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે. ગુરુવારે રાત્રે દિલ્હીથી અમેરિકા જતા વિમાનને ડાઇવર્ટ કરીને રશિયામાં લેન્ડ કરાયું હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું કે એઆઇ-183માં કાર્ગો હોલ્ડ એરિયામાં તકનીકી ખામીની જાણ થયા બાદ કોકપીટ ક્રૂ દ્વારા વિમાનને રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈ જવાયું હતું.

મદદ માટે મુંબઈથી વિશેષ વિમાન મોકલવામાં આવ્યું

રશિયાના ક્રાસ્નોયાર્સ્ક એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની મદદ માટે એર ઇન્ડિયાએ શુક્રવારે સવારે 11 વાગ્યે મુંબઈથી એક વિમાન મોકલ્યું છે. એર ઇન્ડિયા તરફથી કહેવાયું કે મદદ માટેની ફ્લાઇટની મંજૂરી મળી ગઈ છે. ટર્મિનલ પર ભોજન અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

  • Follow us on: