વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવે પરિયોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદીએ જમ્મુ રેલવે ડિવિઝનનો શુભારંભ કરાવ્યો; સાથે જ, તેલંગાણામાં ચાર્લાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પૂર્વી તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન ભવનની આધારશિલા મૂકી હતી.


વીડિયો કોન્ફરન્સિંગમાં પીએમ મોદીએ કહ્યું કે 2025ની શરૂઆતથી જ ભારતે કનેક્ટિવિટીની ઝડપ જાળવી રાખી છે. મેં કાલે દિલ્હી એનસીઆરમાં નમો ભારત ટ્રેનનો શાનદાર અનુભવ કર્યો અને દિલ્હી મેટ્રોની મહત્ત્વની પરિયોજનાઓની શરૂઆત કરી. કાલે ભારતે ખૂબ મોટી ઉપલબ્ધિ મેળવી છે. આપણા દેશમાં હવે મેટ્રો નેટવર્ક એક હજાર કિમી કરતાં વધારે થઈ ગયું છે.પીએમ મોદીએ કહ્યું કે, બેત્રણ દિવસ પહેલાં હું એક વીડિયો જોઈ રહ્યો હતો, તેમાં વંદે ભારત ટ્રેનનું નવું સ્લીપર વર્ઝન ટ્રાયલમાં 180 પ્રતિ કલાકની ગતિએ દોડી રહ્યું હતું. તે મને ખૂબ સારું લાગ્યું એટલું જ નહીં, બલકે, ચોક્કસપણે સૌને સારું લાગ્યું હશે. આ તો માત્ર શરૂઆત છે; એ સમય દૂર નથી જ્યારે દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે. વડાપ્રધાને કહ્યું, આપણે જોયું છે, છેલ્લો એક દાયકો ભારતીય રેલવેના ઇતિહાસમાં ઐતિહાસિક પરિવર્તનનો રહ્યો છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર થયો છે. તેનાથી દેશની છબી બદલાઈ છે અને દેશવાસીઓનું મનોબળ પણ વધ્યું છે.

રેલવે વિકાસનાં ચાર પેરામીટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં રેલવેના વિકાસને અમે ચાર પેરામીટર સાથે આગળ વધારી રહ્યા છીએ. તેમાં પહેલું, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ; બીજું, રેલવેના મુસાફરોને આધુનિક સુવિધાઓ; ત્રીજું, રેલવેની દેશના ખૂણે ખૂણે કનેક્ટિવિટી; અને ચોથું, રેલવે દ્વારા રોજગાર નિર્માણ, ઉદ્યોગોનો સહયોગ સામેલ છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં રેલવે કનેક્ટિવિટીનો પણ અદ્ભુત વિસ્તાર થયો છે. 2014 સુધી દેશમાં માત્ર 35 ટકા રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ થયું હતું. આજે ભારત રેલવે લાઇનોના સો ટકા વિદ્યુતીકરણની નજીક છે. છેલ્લા દશ વર્ષમાં 30 હજાર કિમી કરતાં વધારે નવા રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા છે.


  • Follow us on: