અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઇને વધુ બે અમેરિકન વિમાનો આગામી 15 અને 16 તારીખે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે. 119 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથેનું અમેરિકાનું પ્રથમ વિમાન શનિવારે 15 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે.


સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકન વિમાન અમૃતસર એરપોર્ટ પર સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ લેન્ડ થશે. શનિવારે લેન્ડ થનારા વિમાનમાં આવનારા 119 ભારતીય પ્રવાસીઓમાં 67 પંજાબના છે, જ્યારે 33 લોકો હરિયાણા રાજ્યના છે. ગુજરાતના આઠ, ઉત્તરપ્રદેશના ત્રણ અને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના એક-એક નાગરિક સામેલ છે. અમેરિકામાં ગેરકાયદે રીતે ગયેલા ભારતીય પ્રવાસીઓ સાથેનું બીજું વિમાન 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ લેન્ડ થાય તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

આ ઘટનાક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ આવ્યો છે, જેમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની વાતચીતમાં માનવીય હેરાફેરીના ઇકોસિસ્ટમ સામે લડત પર ભાર આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ કંઇ એકલા ભારતનો પ્રશ્ન નથી પરંતુ વૈશ્વિક સમસ્યા છે. ટ્રમ્પ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમારું માનવું છે કે કોઇપણ વ્યક્તિ જે અન્ય દેશમાં ગેરકાયદે રીતે ઘુસીને ત્યાં રહેતી હોય તો, તે વ્યક્તિને તે દેશમાં રહેવાનો કોઇ કાનૂની અધિકાર કે સત્તા નથી. ઉલ્લેખનીય છે કે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ 104 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથેનું અમેરિકન વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યુ હતું.


  • Follow us on: