26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસર પર દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. આ ખાસ દિવસની સુરક્ષાને લઇને દિલ્હી પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દિલ્હી પોલીસના 15000થી વધારે જવાનો દિલ્હીના ખુણેખુણા પર દેખરેખ રાખી રહ્યા છે અને આકાશથી લઇને જમીન સુધીની સંપુર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ સમારોહમાં એક લાખ દર્શકો પહોંચે તેવો અંદાજ છે અને પોલીસે અત્યાર સુધીમાં કર્તવ્ય પથ પર 10 વાર સુરક્ષા ડ્રીલ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર પરેડ માર્ગની સુરક્ષા માટે છ સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે. પ્રથમ સ્તરની બહાર પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્વાટ કમાન્ડો, બોમ્બ નિરોધક અને ચકાસણી ટીમોની સાથે ટ્રાફિક પોલીસના જવાનો પણ સતત તૈનાત રહેશે. બીજા સુરક્ષા લેયરમાં મુખ્ય રુપથી અર્ધસૈનિક દળો તૈનાત રહેશે. રાષ્ટ્રપતિ ભવનથી લાલ કિલ્લા સુધીના સ્ટ્રેટેજિક સ્થાનો પર આ દળો ગોઠવાઇ જશે આ ઉપરાંત દિલ્હીની તમામ બોર્ડર સીલ કરીને તેના બેરિકેડ પર પોલીસની સાથે અર્ધસૈનિક દળો પણ હાજર રહેશે. ત્રીજા લેયરમાં ત્રણે સેનાના જવાનો, એનએસજી કમાન્ડો તથા કેન્દ્રીય જાસૂસી સંસ્થાના કર્મચારીઓ હાજર રહેશે.










