- નાણા પ્રધાને સીબીઆઇ દ્વારા તપાસની કરી માગણી
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અને રાહુલ ગાંધી ક્યાં છે? : સીતારામન
- સીતારામને કહ્યું કે 200થી વધુ લોકો હજી ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને તામિલનાડુ ઝેરી શરાબ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરી છે.તેમણે રવિવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટના અંગે નિવેદન આપવું જોઇએ.
સીતારામને કહ્યું કે 200થી વધુ લોકો હજી ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કુલ 56 લોકોના મૃત્યુ થયા છે. મૃતકો પૈકી મોટાભાગના અનુસુચિત જાતિના છે. તેમણે કહ્યું કે ઘટનાની તેઓ નિંદા કરે છે. ઉલ્લેખનીય છે કે કલ્લાકુરિચિ જિલ્લામાં ગેરકાયદે શરાબ પીવાથી મૃત્યુ પામેલાની સંખ્યા 53 થઇ ગઇ છે. નિર્મલા સીતારામને કહ્યું કે,' આશ્ચર્ય છે કે કોંગ્રેસે આ ઘટના વિરૂદ્ધ હરફ સુદ્ધા નથી ઉચ્ચાર્યો. આ એવું રાજ્ય છે કે જ્યાં સરકાર સંચાલિત દુકાનોમાં લાયસન્સ ધરાવતો શરાબ વેચવામાં આવે છે. તેમ છતાં કલાકુરચી શહેરમાં કેમિકલ આધારીત બિનઅધિકૃત શરાબ પિરસવામાં આવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન અને રાહુલ ગાંધી ક્યાં છે? પોતે જીતશે તેવો ભરોસો હોવાથી તેઓ દક્ષિણમાંથી ચૂંટણી લડે છે. તામિલનાડુમાં દ્રમુક સાથે મળીને ચૂંટણી લડે છે.પરંતુ ઝેરી શરાબથી દલિત મરી રહ્યા છે ત્યારે તેમનું નિવેદન પણ નથી આવતું.'










