- દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો
- માર્ગ અકસ્માતમાં સૌથી વધુ લોકો મોતને ભેટે છે
- નીતિન ગડકરીએ આ મામલે આપ્યુ મહત્વનું નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં થઇ રહેલા અકસ્માતને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. અકસ્માતની સંખ્યામાં દિવસ જાય તેમ વધારો થઇ રહ્યો છે. પરિણામે વર્ષના લાખો લોકો મોતને ભેટે છે. તેમણે એમ પણ જણાવ્યું કે મોટા ભાગના અકસ્માત માર્ગ એન્જિનિયરીંગની ખામીને કારણે થાય છે. ત્યારે આ મામલે નીતિન ગડકરીએ એન્જિનિયરને સલાહ આપી છે.
રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024નું આયોજન
મહત્વનું છે કે FICCIના રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024નું આયોજન કરવામા આવ્યું હતું. તેમા સંબોધન દરમિયાન તેમણે અકસ્માતને લઇને કેટલીક મહત્વની વાતો કહી હતી. તેમણે કહ્યું કે મેં ખૂબ જ ધ્યાનથી જોયું છે કે મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં ખામીને કારણે થાય છે પરંતુ દરેક રોડ અકસ્માત માટે ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવે છે પરંતુ એવું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ લાખ લોકો ઘાયલ થયા છે.
સૌથી વધારે થાય છે માર્ગ અકસ્માત
તેમણે સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આના કારણે દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ત્રણ ટકાનું નુકસાન થાય છે. ડીપીઆર ગૂગલ પર બનાવે છે. જે બનાવ્યા બાદ જવાબદારી હોય છે કે સાઇટ પર જઇને જોવે. પણ કોઇ જોતુ નથી. ખાલી ટેન્ડર બનાવવામાં એક્સપર્ટ છે. રોડ પ્રોજેક્ટ્સના નબળા ડીપીઆરને કારણે બ્લેકસ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે માર્ગ અકસ્માતો વધુ થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે મંત્રાલયે શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે જેથી ટુ-વ્હીલર્સ તેનો ઉપયોગ કરી શકે.
હાઈવેના સેફ્ટી ઓડિટ પર ભાર મૂકવામાં આવશે
ગડકરીએ તમામ હાઈવેના સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આપણે લેન શિસ્તનું પાલન કરવાની જરૂર છે. ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સ અને તેમના ડ્રાઇવરો માટે એક કોડ તૈયાર કરી રહ્યું છે, જેથી તેઓને માર્ગ અકસ્માત પીડિતોને ઝડપથી બચાવવા માટે કટર જેવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકાય.









