- ઇલેક્ટોરલ બોન્ડને ખંડણીની સ્કીમ કહેનારા રાહુલ ગાંધીને ગૃહપ્રધાનનો જવાબ
- અમારી સામે ભ્રષ્ટાચારના આરોપ નથી તેથી વિપક્ષ ગૂંચવાડો સર્જવા મથે છે : અમિત શાહ
- રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બોન્ડ સિસ્ટમને ખંડણીની વિશ્વની સૌથી મોટી સ્કીમ ગણાવી હતી
ઇલેક્ટોરલ બોન્ડ સિસ્ટમ અંગે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે શું વિપક્ષો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા તેમને મળેલા દાનને પણ ખંડણીના પૈસા કહેશે? તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બોન્ડ સિસ્ટમને ખંડણીની વિશ્વની સૌથી મોટી સ્કીમ ગણાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારના ચેમ્પિયન કહ્યા હતા, જેનો જવાબ આપતા શાહે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકોને એમ પણ જરૂર કહેવું જોઇએ કે હા, અમે પણ ખંડણી લીધી છે. સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જેટલું દાન મળ્યું છે તે ભાજપને મળેલા દાનથી વધુ છે. વિપક્ષ પાસે કોઇ મુદ્દો નથી. અમારી સામે ભ્રષ્ટાચારના આરોપ નથી. તેથી તેઓ ગૂંચવણ ઊભી કરવા મથી રહ્યા છે પણ સફળ નહીં થાય. શાહે ઉમેર્યું કે કોંગ્રેસે છત્તીસગઢમાં તાજેતરના નક્સલી એન્કાઉન્ટરને ફેક ગણાવતી જે પ્રતિક્રિયા આપી છે તેના પર રામચરિતમાનસમાં એક ઉપદેશ છે કે ઇશ્વર જેનો ખરાબ સમય શરૂ કરે છે તેની સૌથી પહેલાં મતિ હરી લે છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન નહોતા થતા. અમારી સરકારના 90 દિવસમાં 87 નક્સલી માર્યા ગયા, 123ની ધરપકડ થઇ અને 253 નક્સલીઓએ સરેન્ડર કર્યું. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના એક-બે વર્ષમાં દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થઇ જશે.
પીએમ મોદીની ઇમેજના દમ પર દક્ષિણમાં શ્રેષ્ઠ દેખાવ કરીશું










