દેશમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં લોકો હવે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી અને ચાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સાથે જોડાયેલા ડેટા બહાર પાડયા છે. આ ડેટા અનુસાર લોકસભાની ચૂંટણી દરમિયાન 64.64 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાં ખાસ બાબત એ છે કે મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે રહી હતી. આયોગનું કહેવું છે કે ભારતમાં લોકતંત્ર અન્ય દેશોની સરખામણીએ અભૂતપૂર્વ છે. ગુરુવારે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલા 42 તથા ચાર રાજ્ય વિધાનસભા ચૂંટણી (અરુણાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમ) 14-14 રિપોર્ટ જાહેર કગર્યા હતાં. પંચે જણાવ્યું હતું કે આ આંકડા ચૂંટણી નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, સંશોધનકારોને મદદરૂપ થશે.


આ રિપોર્ટમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં 64.64 કરોડ મતદાઓએ મત આપીને વિશ્વવિક્રમ બનાવ્યો છે.2024ની ચૂંટણીમાં 12,459 ઉમેદવારી પત્ર ભરાયા હતાં જે સંખ્યા 2019ની ચૂંટણીમાં 11,692 હતી. 2024માં 8,360 ઉમેદવારો ઊભા રહ્યા હતાં જ્યારે 2019માં 8,054 ઉમેદવારો ચૂંટણી લડયા હતા.

65.78% મહિલા મતદાતાઓએ મતદાન કર્યું

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણીમાં મહિલા મતદાતાઓની ભાગીદારી સતત વધી રહી છે. રિપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે રહી હતી. આ ખૂબ જ ઉત્સાહિત કરનારું પરિણામ છે. પંચે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં 65.78% મહિલા મતદાતાઓએ મતદાન કર્યું હતું.પરિણામોની આ ટકાવારી 65.55% હતી. 2024માં મહિલા ઉમેદવારોની સંખ્યા પણ 726થી વધીને 800 હતી.

થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યામાં 46.4% વધારો

પંચે જણાવ્યું હતું કે 2019ની તુલનામાં 2024માં થર્ડ જેન્ડર મતદાતાઓની સંખ્યામાં 46.4%નો વધારો થયો હતો. 2024માં 90,28,696 દિવ્યાંગ મતદાતા રજિસ્ટર્ડ થયા હતાં. પંચ અનુસાર 2019માં 540 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન કરાવવું પડયું હતું જે 2024માં ઘટીને ફક્ત 40 થઈ ગયું હતું.

  • Follow us on: