- વિદેશ પ્રધાન બાદ સીડીએસએ પણ બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી
- પડોશી દેશ હોવાના કારણે બાંગ્લાદેશની વિપરીત સ્થિતિની ભારત પર ભારે માત્રામાં અસર
- વૈશ્વિક ભૂ-રાજનીતિક વાતાવરણમાં ઊતાર-ચઢાવની સ્થિતિ છે: CDS
બાંગ્લાદેશના સંકટે વિશ્વભરના ઘણા દેશોની ચિંતામાં વધારો કર્યો છે. પડોશી દેશ હોવાના કારણે બાંગ્લાદેશની વિપરીત સ્થિતિની ભારત પર ભારે માત્રામાં અસર થઇ શકે છે. તેથી ભારતમાં હલચલ તેજ થઇ ગઇ છે.
વિદેશ પ્રધાન એસ જયશંકર બાદ બાંગ્લાદેશના સંકટ પર સીડીએસ અનિલ ચૌહાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે બાંગ્લાદેશની બગડેલી સ્થિતિ પર જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વ સૌથી હિંસક તબક્કામાં છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણે ચારે તરફ જોઇએ છીએ ત્યારે આપણે જોઇ શકીએ છીએ કે વિશ્વ ઉથલ-પાથલના તબક્કામાં છે. વૈશ્વિક ભૂ-રાજનીતિક વાતાવરણમાં ઊતાર-ચઢાવની સ્થિતિ છે.
મારું માનવું છે કે આપણે મોટી વૈશ્વિક સમસ્યાના તબક્કામાંથી પસાર થઇ રહ્યા છીએ. વૈશ્વિક સુરક્ષા વાતાવરણ બે મોટા યુદ્ધના કારણે બદલાઇ ગયું છે. જો કે લિબિયા, સીરિયા, યમન અને આર્મેનિયામાં હાલમાં યુદ્ધ શાંત થઇ ગયું છે.
બાંગ્લાદેશની સ્થિતિ ભારત માટે કેમ ચિંતાજનક?
બાંગ્લાદેશ ભારત સાથે સરહદ શેર કરે છે. આ પડોશી દેશ સાથે ભારતના રાજકીય સંબંધો અત્યાર સુધી ઘણા સારા રહ્યા છે. આ સંજોગોમાં બાંગ્લાદેશમાં પેદા થયેલી હાલની સ્થિતિ ભારત માટે ચિંતાનં મોટું કારણ છે. તેના કારણે જ વિદેશ પ્રધાન એસ જયશંકરે નિવંદન કરીને જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી નજર છે. તેમણે સર્વપક્ષીય દળોની બેઠક બોલાવીને સ્થિતિથી વાકેફ કર્યા હતાં અને સાથે તેમણે રાજ્યસભામાં પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ભારત ઉપરાંત યુકે અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશો બાંગ્લાદેશના મુદ્દે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં 100થી વધારે મોત થયાં છે.