• શ્રીનગરમાં -3.45, અનંતનાગમાં -3.45 તથા ગુલમર્ગમાં -3.50 ડિગ્રી તાપમાન

  • જમ્મુ અને આગરામાં ઝીરો વિઝિબિલિટી રેકોર્ડ કરવામાં આવી હતી
  • ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલી બધી ગગડી ગઇ

2023ના આખરી દિવસે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આસામના જોરહાટ, પંજાબના પઠાણકોટ-ભટિંડા, જમ્મુ અને આગરામાં ઝીરો વિઝિબિલિટી રેકોર્ડ કરવામાં આવી હતી. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીની આસપાસની 23 ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી લેટ ચાલી રહી છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં તાપમાન શૂન્યની નીચે ચાલી રહ્યું છે. શ્રીનગરમાં રવિવારે માઇનસ 3.45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે અનંતનાગમાં માઇનસ 3.45 તથા ગુલમર્ગમાં માઇનસ 3.50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રવિવારે સવારે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને નોર્થ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન સાતથી 10 ડિગ્રીની વચ્ચે જોવા મળ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સોમવારથી મધ્ય ભારતમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે જેને પગલે મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે ઠંડીમાં વધારો થશે.

એમપીમાં ગાઢ ધુમ્મસ વચ્ચે કેટલાક સ્થાન પર હળવો વરસાદ

રવિવારે મધ્યપ્રદેશના હવામાને પલટો લીધો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટીના કારણે પ્રદેશના ગ્વાલિયર-ચંબલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઘણા જિલ્લામાં હળવો વરસાદ પણ નોંધાયો હતો. ભોપાલમાં નવા વર્ષના પ્રથમ દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું રેડએલર્ટ

પાછલા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની સાથે જોડાયેલાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જળવાયેલી છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપમાનમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલી બધી ગગડી ગઇ છે કે માર્ગ પર વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયાં છે.

તામિલનાડુમાં કેટલાંક સ્થાનો પર વરસાદ

તામિલનાડુના કેટલાક સ્થાનો પર અને દક્ષિણ કેરળ તથા પૂર્વોત્તર ભારતમાં એક કે બે સ્થાન પર હળવો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પિૃમ હિમાલય, ઝારખંડના કેટલાક હિસ્સા, ઓડિશા તથા પૂર્વોત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં રવિવારે ભારે ઠંડી હતી.


  • Follow us on: