- "પાર્ટીમાં હું જ સિનિયર છું, મને કોણ ઓફર કરી શકે?: શરદ પવાર
- ભાજપ લોકોને ધર્મ-સંપ્રદાયના આધારે વહેંચી રહી છે: એનસીપી પ્રમુખ
- એનસીપી સાંસદ સુપ્રિયા સુલે પણ આ મામલે કરી ચુક્યા છે સ્પષ્ટતા
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર અફવાઓનુ બજાર ગરમાઈ ગયું છે. શનિવારે ડેપ્યુટી સીએમ અજિત પવાર અને કાકા શરદ પવાર વચ્ચેની ગુપ્ત બેઠક પર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો હતો કે શરદ પવારને ભાજપ તરફથી કેબિનેટ મંત્રી પદની ઓફર મળી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ જ ઓફર કરવા માટે અજિત અને શરદ પવાર વચ્ચે બેઠકો થઈ રહી છે. હવે શરદ પવારે આ દાવાઓ પાછળનુ સત્ય જણાવ્યું છે. શરદ પવારે કહ્યું છે કે "મંત્રી પદની ઓફર અંગેની વાતોમાં કોઈ સત્ય નથી. અજિત પવાર સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી."
હકીકતમાં, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભાજપે શરદ પવારને કેન્દ્રમાં કૃષિ પ્રધાન પદ અને પુત્રી સુપ્રિયા સુલેને નીતિ આયોગના અધ્યક્ષ પદની ઓફર કરી છે. આ દાવાઓ અને અહેવાલોને નકારી કાઢતાં શરદ પવારે બુધવારે કહ્યું હતું કે, "ભાજપ રાજ્ય સરકારોને અસ્થિર કરવાનું કામ કરી રહ્યું છે. હું ભાજપ અને તેના સહયોગી પક્ષો સામે લડવા માટે એક વ્યૂહરચના બનાવી રહ્યો છું. I.N.D.I.A.ની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. આ બેઠકની સફળતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે."
"પાર્ટીમાં હું જ સિનિયર છું, મને કોણ ઓફર કરી શકે? "
પૃથ્વીરાજ ચવ્હાણના દાવા અંગે પૂછવામાં આવ્યું તો શરદ પવારે જણાવ્યું, "પૂર્વ સીએમએ શું કહ્યું તે મને ખબર નથી. આવી કોઈ ચર્ચા થઈ નથી. હું તે બેઠકને નથી નકારી રહ્યો, પરંતુ પરિવારના મુખીયા તરીકે હું પરિવારના તમામ સભ્યપ સાથે વાત કરું છું. મંત્રીપદની ઓફર થવાની વાતો માત્ર અફવા છે અને તેમાં કોઈ વાસ્તવિકતા નથી. હું પાર્ટીમાં સૌથી સિનિયર નેતા છું, મને કોણ ઑફર કરશે?" પવારે ભારપૂર્વક જણાવ્યું કે અજિત પવાર તેમના ભત્રીજા છે અને તેમનું તેમને મળવું સ્વાભાવિક છે.
ભાજપ લોકોને ધર્મ-સંપ્રદાયના આધારે વહેંચી રહી છે- શરદ પવાર
શરદ પવારે કહ્યું, "હું 8-10 દિવસથી રાજ્યની મુલાકાત લઈ રહ્યો છું. લોકોએ મારા વલણના વખાણ કર્યા છે. સતારા, સોલાપુર, બારામતી, પુણેની મુલાકાત લીધી. ભાજપ અને તેના સાથી પક્ષો સમયથી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ભાજપ લોકોને ધર્મ-સંપ્રદાયના આધાર પર વિભાજિત કરી રહી છે. તેમનો ભાગલા દિવસની ઉજવણી કરવાનો તેમનો નિર્ણય ખોટો હતો.
મણિપુરને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર-પવાર
મણિપુર અંગે પવારે કહ્યું, "આ ખૂબ જ સંવેદનશીલ રાજ્ય છે. ત્યાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. વડાપ્રધાને મણિપુર પર વધુ બોલવું જોઈતું હતું.
NCP સાંસદ સુપ્રિયા સુલેએ કરી સ્પષ્ટતા
NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું, હું સીધો જવાબ આપું છું. અમને કોઈ ઓફર કરવામાં આવી નથી. મને કોઈ ઓફર વિશે ખબર નથી. મને ખબર નથી કે કોંગ્રેસ શું નિવેદન આપી રહી છે. પવાર સાહેબ અને મેં કોઈ નિવેદન આપ્યું નથી. હું આ વિશે કંઈ જાણતી નથી. અમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે વાત કરીશું. અમે સંસદમાં કોંગ્રેસ સાથે બેસીને તેમની સાથે રણનીતિ બનાવીએ છીએ. તેમના કેન્દ્રીય નેતૃત્વ વિશે બોલવું મારા માટે અયોગ્ય છે. હું કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર ટિપ્પણી કરી શકું નહી.