- ઑગર ડ્રિલ મશીનનો બેઝ મજબૂત કરાયો છતાં અડચણો આવતી રહી
- ટનલમાંથી 41 શ્રામિકોને કેવી રીતે બહાર કઢાશે તેની એનડીઆરએફ દ્વારા મૉક ડ્રિલ
- એક્સપર્ટ્સે આ સળિયા કાપ્યા બાદ ડ્રિલિંગ આગળ વધ્યું હતું
ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ચારધામ ઓલ વેધર પ્રોજેક્ટની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રામિકોને બચાવવાના સઘન પ્રયાસો જારી છે. 13 દિવસથી ટનલમાં ફસાયેલા શ્રામિકોને હેમખેમ બહાર કાઢવા સાથે હોસ્પિટલ અને ડૉક્ટર્સ પણ એલર્ટ પર છે. જોકે શુક્રવારે એક યા બીજા અવરોધને કારણે 800 મિ.મી.ના પાઇપનું બાકી ડ્રિલિંગ આગળ વધી શક્યું નહોતું. ગુરુવારે બપોરે શ્રામિકો સુધી પહોંચવા ડ્રિલિંગ શરૂ કરાયું હતું પણ 1.8 મીટર જેટલું ડ્રિલિંગ થયા બાદ કાટમાળમાં સ્ટીલના સળિયા આવી જવાના કારણે ડ્રિલિંગ રોકી દેવાયું હતું. એક્સપર્ટ્સે આ સળિયા કાપ્યા બાદ ડ્રિલિંગ આગળ વધ્યું હતું પણ ગુરુવારે મોડી સાંજે ઑગર ડ્રિલ મશીનનો બેઝ હલી જવાને કારણે ડ્રિલિંગ ફરી રોકવું પડયું હતું. હજુ લગભગ 14 મીટર જેટલું ડ્રિલિંગ બાકી છે. શુક્રવારે રાત સુધી ડ્રિલિંગ આગળ વધી શક્યું નહોતું.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની ટીમના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે જમીન ભેદતા રડારના ઉપયોગથી જાણવા મળ્યું છે કે પાંચ મીટર સુધી કોઇ અવરોધ નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શુક્રવારે પણ સિલક્યારા પહોંચ્યા હતા. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હતા.










