- કોલાકાતામાં રામમંદિરનો ફીવર
- દુર્ગા પૂજા પંડાલની થીમ રામમંદિર પર
- તદ્દન રામ મંદિર જેવો જ દેખાય છે પંડાલ
નવરાત્રિ પર્વની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં તો શેરીએ શેરીએ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. તો આ તરફ નવરાત્રિ પર્વમાં દુર્ગા પૂજાનું ખાસ મહત્વ રહેલુ હોય છે. લોકો દૂર દૂરથી મૂર્તિ એક્સપર્ટને બોલાવીને મા દુર્ગાની મૂર્તિ બનાવડાવે છે. મોટાભાગની તમામ જગ્યાએ દુર્ગા પૂજા પંડાલ બાંધવામાં આવે છે. ત્યારે આ વખતે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલમાં રામ મંદિરની ઝાંખી જોવા મળી છે.
રામમંદિરની થીમ પર દુર્ગા પૂજા પંડાલ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં સંતોષ મિત્ર સ્ક્વેર દુર્ગોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર દુર્ગા પંડાલનું નિર્માણ કરવામાં આવે છે. આ વર્ષે સમિતિ દ્વારા રામ મંદિરની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. પહેલી નજરે જોવામાં રામ મંદિર જ લાગે પરંતુ આ દુર્ગા પૂજા પંડાલ છે.
અમિત શાહ જશે કોલકાતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન રામ મંદિરની જેમ બનેલા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 16 ઓક્ટોબરે સંતોષ મિત્ર સ્ક્વેર પૂજાનું ઉદ્ઘાટન કરવા કોલકાતા આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહની કોલકાતાની મુલાકાત માત્ર થોડા કલાકોની હશે. તેઓ માત્ર પૂજા પંડાલના ઉદ્ઘાટનમાં હાજરી આપવા કોલકાતા આવશે.
રામમંદિર થીમ પર દુર્ગાપૂજા
મહત્વનું છે કે બંગાળમાં દુર્ગા પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. . મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શ્રી ભૂમિ પૂજા પંડાલ સહિત લગભગ 800 પૂજા પંડાલોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યુ હતુ. મહત્વનું છે કે શહેરની ઘણી મોટી પૂજા સમિતિઓ સાથે ઘણા રાજકારણીઓના નામ જોડાયેલા છે. સંતોષ મિત્ર સ્ક્વેરની દુર્ગા પૂજાને બીજેપી નેતા સજલ ઘોષની પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે પૂજાની થીમ રામ મંદિર છે.









