• ઈ-પાસપોર્ટમાં નવા 41 ફીચર્સ

  • 140 દેશોમાં ઈમિગ્રેશન પ્રોસેસ ઝડપી થશે
  • પાસપોર્ટનું ડુપ્લિકેશન રોકી શકાશે

સરકાર દ્વારા આગામી બે મહિનામાં દરેક ભારતીયોને નવા ચિપ ધરાવતા ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવશે. આ ઈ-પાસપોર્ટમાં 41 નવા ફીચર્સ હશે. આ પાસપોર્ટને કારણે 140 દેશોમાં ઈમિગ્રેશન પ્રોસેસ ઝડપી થશે. ચિપ ધરાવતા આ પાસપોર્ટનું ટેકનિકલ પરીક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કર્યા પછી પાસપોર્ટનું ડુપ્લિકેશન રોકી શકાશે. હાલ દેશનાં નાસિક પ્રેસમાં 70 લાખ ઈ-પાસપોર્ટની બૂકલેટ પ્રિન્ટ કરવામાં આવી રહી છે. નાસિક પ્રેસને 4.5 કરોડ ચિપ ધરાવતા પાસપોર્ટ પ્રિન્ટ કરવા કહેવાયું છે. હાલ જુદાજુદા દેશનાં ચિપ રીડર્સ સાથે તેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. કોઈપણ વ્યક્તિ જૂના પાસપોર્ટ જમા કરાવીને નવા ચિપ ધરાવતા ઈ-પાસપોર્ટ મેળવી શકશે. જૂની બૂકલેટ ખાલી હોય તો તેને બદલે અરજી કરવાથી નવો ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવશે.

ઈ-પાસપોર્ટમાં નવું શું છે?

ઈ-પાસપોર્ટમાં નવા 41 ફીચર્સ છે. તેની બૂકલેટ હાલનાં પાસપોર્ટ જેવી જ હશે પણ આ બૂકલેટ વચ્ચે કોઈપણ એક પેજ પર રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફીકેશન ચિપ લગાવેલી હશે અને છેલ્લે નાનું ફોલ્ડેબલ એન્ટેના ગોઠવાયેલું હશે. ચિપમાં પાસપોર્ટ ધારકની બાયોમેટ્રિક્સની વિગતો તેમજ અન્ય પૂરક માહિતી હશે. પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ 2.0 (PSP) નામની આ યોજનાને ટૂંકમાં લૉન્ચ કરાશે. ચિપ ધરાવતા પાસપોર્ટને તબક્કાવાર ઈશ્યૂ કરાશે જેથી ભીડભાડ ન થાય.

હમશકલને પકડી લેવાશે

વિદેશ મંત્રાલયનાં જણાવ્યા મુજબ ઈ-પાસપોર્ટ માટે તમામ એરપોર્ટ પર આધુનિક બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાવવામાં આવશે. આને કારણે પાસપોર્ટમાં સ્ટોર કરાયેલી ફેસિયલ ઈમેજ અને ઈમિગ્રેશન વખતની લાઈવ ઈમેજ થોડી મિનિટોમાં જ મેચ કરી શકાશે. જો કોઈ વ્યક્તિ હમશકલ બનીને આવ્યો હશે તો ગણતરીની મિનિટોમાં જ તેને પકડી લેવાશે.

ટેકનિકલ ટેસ્ટ કરાયા

ઈ-પાસપોર્ટનાં ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી જુદાજુદા દેશનાં ચિપ રીડર્સ તેને આસાનીથી વાંચી શકે. ડિજિટલ સિગ્નેચરનું મેચિંગ, ચિપ ડેટાનું રિસીવર કોમ્પ્યૂટરમાં રીડિંગ જેવા ટેસ્ટ કરાયા છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન દ્વારા તમામ દેશો માટે સમામ ઈ-પાસપોર્ટ લાગુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી ડિજિટલ પાસપોર્ટને ઈમિગ્રેશન માટે નવા માપદંડ ગણી શકાય. ભારતનાં ઈ-પાસપોર્ટને આ નવા માપદંડો મુજબ બનાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આ કામ માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરને ટેકનિકલ પાર્ટનર તરીકે સ્થાન આપ્યું છે.


  • Follow us on: