વિશ્વમાં ચારે તરફ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં મ્યાનમાર અને થાઈલેન્ડ વિનાશક ભૂકંપથી હચમચી ગયા છે. જાનહાનિને જોતા થાઈલેન્ડમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મ્યાનમારમાં પણ સરકાર સક્રિય બની છે. અમેરિકાએ ભૂકંપના કારણે હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી છે. બંને દેશો ભારતના પડોશમાં છે. આવી સ્થિતિમાં અહીં ભારતીયોની સંખ્યા પણ ઘણી વધારે છે.


ભારતનો મ્યાનમાર સાથે જૂનો સંબંધ

ભારતીયો સદીઓથી મ્યાનમારમાં રહે છે, જે એક સમયે બર્મા હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ મ્યાનમારમાં થયો છે. બ્રિટિશ-વસાહતી શાસન દરમિયાન, બર્મામાં ભારતીયોની હિલચાલ વધી. લોકો અહીં કામ કરવા માટે જવા લાગ્યા. એટલું જ નહીં, ભારતીય સ્વતંત્રતા સેનાનીઓને પણ બર્માની જેલમાં મોકલવામાં આવ્યા હતા.

હાલમાં બર્મામાં લગભગ 20 લાખ લોકો છે જેઓ કોઈને કોઈ રીતે ભારત સાથે જોડાયેલા છે. એટલે કે આ 20 લાખ લોકોના મૂળ ભારતમાં જ છે તેમ કહી શકાય. આ કુલ વસ્તીના લગભગ 5 ટકા છે. ઉત્તર-પૂર્વ ભારતના મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ તેમની સરહદ મ્યાનમાર સાથે વહેંચે છે. મ્યાનમારમાં સ્થાયી થયેલા મોટાભાગના ભારતીયો મણિપુરી અથવા તમિલ ભાષા બોલે છે. આ ભારતીયોને બર્મા ઈન્ડિયન્સ પણ કહેવામાં આવે છે.

થાઈલેન્ડને પ્રવાસી દેશ માનવામાં આવે છે

થાઈલેન્ડમાં 2 લાખ ભારતીયો વસે છે, પરંતુ તેમાના માત્ર 65 હજાર ભારતીયો જ થાઈલેન્ડમાં કાયમી રીતે વસવાટ કરે છે. મોટાભાગના ભારતીયો વર્ષોથી કામ માટે અહીં રહે છે. ભારતના મોટાભાગના લોકો થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રહે છે. ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સ થાઈલેન્ડ પર પ્રભુત્વ ધરાવે છે. એક અંદાજ મુજબ અહીં લગભગ 1.5 કરોડ ચાઈનીઝ નાગરિકો રહે છે. થાઈલેન્ડમાં લગભગ 7 કરોડ લોકો રહે છે. થાઈલેન્ડને પ્રવાસી દેશ માનવામાં આવે છે. થાઈલેન્ડ ભારત સાથે જમીની સરહદ તો વહેંચતું નથી પરંતુ બંને દેશો વચ્ચે જળ સરહદ જરૂર છે. ભારત અને થાઈલેન્ડ આંદમાન સમુદ્રમાં દરિયાઈ સરહદ વહેંચે છે. અહીં, ભારતના આંદમાન અને નિકોબાર ટાપુઓ થાઈલેન્ડના સિમિલન ટાપુઓ સાથે સરહદ વહેંચે છે.



  • Follow us on: