• લદ્દાખમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી 
  • ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની થઈ નથી

લદ્દાખમાં આજે શનિવારે (2 ડિસેમ્બર 2023) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 8.25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 35.44 ડિગ્રી અક્ષાંશ અને 77.36 ડિગ્રી રેખાંશ પર હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ થઈ નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ દિવસોમાં હિમાલયની પર્વતમાળામાં બે પ્લેટો વચ્ચે વધતા આંતરિક ઘર્ષણને કારણે આ વિસ્તારોમાં ભૂકંપની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભૂતકાળમાં અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર, નેપાળ, અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે.

બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા

પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં શનિવારે સવારે પડોશી દેશ બાંગ્લાદેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ સવારે 9.05 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું. NCS એ ટ્વિટર પર લખ્યું હતું કે, બાંગ્લાદેશ અને ભારતમાં 02-12-2023ની સવારે ભારતીય સમય અનુસાર 09:05:31 વાગ્યે 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર સપાટીથી 55 કિલોમીટર નીચે 23.15 ડિગ્રી અક્ષાંશ અને 90.89 ડિગ્રી રેખાંશ પર હતું.

પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ નથી. આ સંબંધમાં એક અધિકારીએ કહ્યું, 'અમને હજુ સુધી અંતિમ રિપોર્ટ મળ્યો નથી. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. કોલકાતા પોલીસ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ કહ્યું કે જાનહાની કે સંપત્તિના કોઈ સમાચાર નથી.

  • Follow us on: