દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે બપોરે ધરતીકંપના આંચકા અનુભવાયા છે. જો કે, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના લાહોર અને ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધવામાં આવી છે.
ભૂકંપના આંચકા યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ આ આંચકા અનુભવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયામાં બીજીવાર દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ આવવાનું કારણ
ધરતીના પેટાળમાં સાત ટેક્ટોનિક પ્લેટસ છે. આ પ્લેટ્સ સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ પરસ્પર ટકરાય તો એકબીજાની ઉપર ચઢી જતી ગોય છે. અથવા તો તેનાથી દૂર થઈ જાય છે. ત્યારે જમીન હલવા લાગે છે. આને જ ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપને માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યૂડ સ્કેલ કહેવામાં આવે છે.
રિકટર મેગ્નિટયૂડ સ્કેલ એકથી નવ સુધી હોય છે. ભૂકંપની તીવ્રતાને તેના કેન્દ્ર એટલે કે, એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, એ કેન્દ્રથી નીકળતી ઊર્જાને આ સ્કેલ ઉપર મપાય છે. એક એટલે કે ઓછી તીવ્રતાની ઊર્જા નીકળી રહી છે. નવ એટલે કે સૌથી વધુ. ખૂબ જ ભયંકર વિનાશ ધરાવતી લહેર. દૂર જતા-જતા નબળી થતી જાય છે. જો રિકટર સ્કેલ ઉપર તીવ્રતા સાત જોવા મળે તો તેની આસપાસના 40 કિલોમીટરના રેંજમાં તેજ આંચકા આવતા હોય છે.