• ફરીદાબાદમાં 2006માં એજન્ટ પાસેથી પાંચ એકર જમીન ખરીદી અને ઊંચા ભાવે 2010માં વેચવાનો આરોપ

  • પાંચ એકર જમીન ખરીદી અને થોડા વર્ષ પછી તે NRI થંપીને જ પાછી વેચવામાં આવી
  • ખરીદ-વેચાણના સોદામાં મોટાપાયે રોકડની ગોલમાલ અને મની લૉન્ડરિંગનો આરોપ

મની લૉન્ડરિંગ અને ખોટી રીતે જમીન ખરીદીને પાછી એક જ વ્યક્તિને વેચવાનાં મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાખલ કરેલી ચાર્જશીટમાં પહેલીવાર કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડરાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આખો મામલો NRI બિઝનેસમેન સી સી થંપી સાથે જોડાયેલો છે. જેમાં પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડરા સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં જમાઈ રોબર્ટ વાડરા તેમજ પુત્રી પ્રિયંકા ગાંધીએ દિલ્હીનાં એક રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં 5 એકર જમીન ખરીદી હતી અને થોડા વર્ષ પછી એ જ રિયલ એેસ્ટેટ એજન્ટ દ્વારા જમીન NRI બિઝનેસમેન સી સી થંપીને જ પાછી વેચવામાં આવી હતી. થંપી અને વાડરા વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધ હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું. આમ જમીનનાં ખરીદ વેચાણનાં સોદામાં મોટાપાયે રોકડની ગોલમાલ અને મની લૉન્ડરિંગ કરાયાનો આરોપ લગાવાયો છે.

જમીનનાં ખરીદ-વેચાણમાં રોકડની ગોલમાલ

ઈડીએ આ મામલે નવેમ્બરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપો મુજબ રિયલ એસ્ટેટ એજન્ટ એચ. એલ. પાહવાએ વાડરા અને થંપી બંનેને જમીન વેચી હતી. પાહવાને દસ્તાવેજોમાં જણાવેલી રકમ કરતા અલગ રીતે રોકડ રકમ આપવામાં આવી હતી. પાહવાએ ફરીદાબાદમાં 2006માં પ્રિયંકા ગાંધીને ખેતીની જમીન વેચી હતી અને 2010માં તે ફરી પોતે ખરીદી લીધી હતી.

હરિયાણાના જમીન સોદાની ચાલતી તપાસ

ઈડીનું માનવું છે કે રોબર્ટ વાડરાએ મની લૉન્ડરિંગ કરીને વિદેશમાં પૈસા મોકલી લંડનમાં પણ મિલકતો ખરીદી હતી. ઈડી દ્વારા આ સોદાની તપાસ કરાઈ રહી છે. તપાસમાં વાડરા અને થંપી વચ્ચે વર્ષોથી ગાઢ પારિવારિક સંબંધો તેમજ વ્યવસાયિક સંબંધો હોવાનું જણાઈ આવ્યું હતું.

રોબર્ટ વાડરા-પ્રિયંકાએ જમીનના સોદા કર્યા

ઈડીએ ચાર્જશીટમાં દર્શાવ્યું છે કે રોબર્ટ વાડરાએ એચ એલ પાહવા દ્વારા હરિયાણામાં 2005-06માં 40.08 એકર જમીન ખરીદી હતી અને આ જ જમીન ડિસેમ્બર 2010માં ફરી પાહવાએ રોબર્ટ વાડરા પાસેથી ખરીદી હતી. પ્રિયંકા ગાંધીએ પણ હરિયાણાનાં અમીપુર ગામમાં 2006માં 5 એકર જમીન ખરીદીને ફેબ્રુઆરી 2010માં આ જ જમીન પાછી પાહવાને વેચી હતી.

ભાગેડુ સંજય ભંડારીની પણ સંડોવણી

કેસમાં ભાગેડુ શસ્ત્રોનાં સોદાગર સંજય ભંડારીનું નામ પણ બહાર આવ્યું છે. ભંડારી 2016માં ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. થંપીએ બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સાથે મળીને ભંડારીને કાળી કમાણીનાં પૈસા છુપાવવામાં મદદ કરી હતી.


  • Follow us on: