- એક્ઝિટ પોલમાં રાજસ્થાન-મ.પ્ર.માં ભાજપ, તેલંગાણા-છત્તીસગઢમાં કોંગ્રેસ આવે તેવી વકી
- લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ કસોટીની એરણે
- મિઝોરમ માટે સોમવારે મત ગણતરી અને પરિણામો જાહેર કરાશે
દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા પછી રવિવારે ચાર રાજ્યો માટે મત ગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવનાર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની મત ગણતરી સાથે પરિણામોનું પેન્ડોરા બોક્સ ખોલવામાં આવશે. ચાર રાજ્યોનાં જાહેર થનારા પરિણામો ભાજપ અને કોંગ્રેસ માટે બળાબળનાં પારખાં સમાન પુરવાર થશે. લોકસભાની 2024માં યોજાનારી ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને સેમિફાઇનલ સમાન ગણવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસની કામગીરી કસોટીની એરણે ચઢશે. પરિણામો જાહેર થવાની સાથે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં કોણ સરકાર રચશે અને કોણ વિપક્ષની પાટલી પર બેસશે તે સ્પષ્ટ થઈ જશે. મિઝોરમમાં લોકોની અપીલને પગલે સોમવારે મત ગણતરી હાથ ધરાશે તેમજ પરિણામો જાહેર કરાશે. પરિણામો દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને મુખ્ય હરીફ કોંગ્રેસની ખામીઓ અને ખૂબીઓ ઉજાગર થશે તેમજ બંને પક્ષો લોકસભાની ચૂંટણી માટે તે મુજબ તેમની રણનીતિ ઘડી શકશે. તમામ સીટો માટે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને તબક્કાવાર પરિણામો જાહેર કરાશે. બપોર સુધીમાં પાંચેય રાજ્યોમાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
રાજસ્થાનમાં ફરી સત્તા પલટાનાં સંકેતો
રાજસ્થાનમાં ક્યારેક મતદારોએ કોઈપણ પક્ષને ફરી સત્તાનું સુકાન સોંપ્યું નથી. આ વખતે પણ અહીં સત્તા પલટાનાં સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસનાં હાથમાંથી ભાજપ સત્તા છીનવી શકે છે. અહીં ભાજપ અને કોંગ્રેસને સરકાર રચવા સ્પષ્ટ બહુમતી ન મળે તો તેવા સંજોગોમાં અપક્ષો અને બળવાખોરો ચિત્ર બદલી શકે છે.
પક્ષો, નેતાઓનું ભાવિ ઘડાશે
ચૂંટણીના પરિણામોને પગલે કોંગ્રેસના કમલનાથ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, એ. રેવતી રેડ્ડી તેમજ ભાજપનાં શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રમણસિંહ તેમજ BRSનાં વડા કે. ચંદ્રશેખર રાવનું ભાવિ નક્કી થશે.
679 બેઠકો માટે 8,054 ઉમેદવારો મેદાનમાં
આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 679 બેઠકો માટે 8,054 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પાંચ રાજ્યોમાં 23 દિવસનાં ગાળામાં 6 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું. આ પાંચેય રાજ્યો લોકસભામાં કુલ 73 સીટ ધરાવે છે જે પૈકી 66 સીટો હાલ ભાજપના હાથમાં છે જ્યારે 6 સીટો કોંગ્રેસને હવાલે છે. લોકસભાની એક સીટ મિઝો નેશનલ ફ્રન્ટના હાથમાં છે.
એક્ઝિટ પૉલ શું કહે છે?
એક્ઝિટ પૉલનાં વરતારા મુજબ 90 સીટ ધરાવતા છત્તીસગઢમાં કોંગ્રેસનો દબદબો જળવાઈ રહેશે. જયાં ફરી કોંગ્રેસની સરકાર સ્થપાઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ તેલંગાણામાં BRS પાસેથી સત્તા છીનવીને સત્તા પર આવી શકે છે. જ્યાં 119 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે સૌની નજર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પરિણામો પર મંડાયેલી છે કારણ કે આ બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશનાં એંધાણ છે. 230 સીટો ધરાવતા મધ્યપ્રદેશમાં બહુમતી સીટો જીતીને સરકાર રચવાની કોંગ્રેસને આશા છે. સમાજવાદી પાર્ટીનો દેખાવ અહીં કેવો રહે છે તેનાં પર બધો આધાર છે.
સારા પરિણામોથી કોંગ્રેસનું પ્રભુત્વ વધશે
કોંગ્રેસ માટે પરિણામો સારા જાહેર થશે અને તેની સીટો વધશે તો અન્ય રાજકીય પક્ષો પર તેનું પ્રભુત્વ વધશે. લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન INDIAમાં તેનું વર્ચસ્વ વધશે. કોંગ્રેસ સહયોગી પક્ષોને સહકાર નથી આપતું તેવા આક્ષેપોનું કલંક ભૂંસી શકાશે. જો કોંગ્રેસનો દેખાવ નબળો રહેશે તો અન્ય પ્રાદેશિક પક્ષો જેવા કે સમાજવાદી પાર્ટી, આમઆદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષો કોંગ્રેસ સામે બાંયો ચઢાવશે.