ભારતમાં યુદ્ધ વિરામ બાદ દેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ખાસ કરીને જમ્મુ -કાશ્મીરમાં શ્રીનગર અને પંજાબમાં સુરક્ષાદળોએ આતંકવાદનો સફાયો કરવાનો લક્ષ્ય સાથે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના બાદ સરંક્ષણ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર ઉપરાંત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા અને છુપાયેલા આતંકવાદીઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 48 કલાકથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ અથડામણમાં 1 આતંકી ઠાર થયો હોવાની માહિતી સામે આવી છે.
ત્રાલ વિસ્તારમાં છુપાયા આતંકવાદીઓ
પુલવામા બાદ અત્યારે જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવે છે. ત્રાલના નાદિર ગામમાં આતંકવાદીઓ ૦૨ થી ૦૩ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ કર્યું.ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોન પોલીસે પણ એક નિવેદન જારી કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, "અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નાદેરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે. વધુ વિગતો જાહેર કરવામાં આવશે."
શોપિયામાં ત્રણ આતંકવાદીઓ ઠાર
મંગળવારે જ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ લશ્કર-તૈયબાના હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન કેલર હેઠળ થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠનના ત્રણ સભ્યો માર્યા ગયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટને શોપિયાંના શોકલ કેલરના સામાન્ય વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી, એન્કાઉન્ટરમાં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓ માર્યા ગયા.
આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
મંગળવાર બાદ આજે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા દળો રાજ્યભરમાં આતંકવાદીઓની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને મારી રહ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ મોરચો સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.









