ભારતમાં અનેક ચમત્કારિક અને રહસ્યમયી મંદિરો આવેલા છે. આવા રહસ્યમયી મંદિરોમાં દક્ષિણ ભારતના ભગવાન તિરુપતિ બાલાજી મંદિરનો પણ સમાવેશ થાય છે. આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર ભારતીય વાસ્તુકલા અને શિલ્પકલાનો ઉકત્કૃષ્ઠ નમૂનો છે.
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુમાલા પર્વત પર આ મંદિર આવેલું છે. ભારતના મુખ્ય તીર્થસ્થાનો પૈકીનું આ એક મંદિર છે. ભગવના તિરુપતિ બાલાજીના પ્રસાદમાં મળતા લાડુ આજકાલ ચર્ચામાં છે. પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીનો તપાસ અહેવાલ સામે આવ્યો છે. લાડુ તૈયાર કરવામાં માછલીના તેલ અને પ્રાણિજ ચરબીની મિલાવટ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં આપણે ભગવાન તિરુપતિ બાલાજી મંદિર સાથે સંકળાયેલા રહસ્યો વિશે જાણકારી મેળવીએ.
ભગવાન તિરુપતિ બાલાજીનું વાત્સવિક નામ શ્રી વેંકટેશસ્વામી છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન વેંકટેશ પત્ની પદ્માવતી સાથે તિરુમાલામાં નિવાસ કરે છે. માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી વેંકટેશ સમક્ષ પ્રાર્થના કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. ભક્તો મંદિરે આવીને પોતાના મસ્તકના વાળનું દાન કરે છે. આ મંદિર સાથે અનેક રહસ્યમયી વાતો જોડાયેલી છે.
કહેવાય છે કે ભગવાન વેંકટેશસ્વામીની મૂર્તિ પર જે વાળ લાગેલા છે તે અસલી છે. તે વાળ કદી ગૂંચવાતા નથી અને મુલાયમ છે. ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં એવો ભાસ થશે કે મૂર્તિ ગર્ભગૃહમાં મધ્યે છે. પરંતુ ગર્ભગૃહમાંથી બહાર નીકળીનો જોશો તો લાગશે કે ભગવાનની મૂર્તિ જમણી તરફ છે. આ ભ્રમ છે કે ભગવાનનો ચમત્કાર તે હકીકત જોઈ જાણી શક્યું નથી. ભગવાનના આ સ્વરૂપમાં માતા લક્ષ્મીનો પણ સમાવેશ થતો હોવાથી વેંકટેશ્વર સ્વામીને સ્ત્રી અને પુરુષ એમ બંનેના વાઘા પહેરાવવામાં આવે છે.
વિશેષ પાષાણમાંથી તૈયાર થયેલી મૂર્તિ અલૌકિક છે. એવું લાગે છે કે ભગવાન વિષ્ણુ સ્વયં ત્યાં બિરાજમાન છે. ભગવાનની પ્રતિમાને પરસેવો વળતો હોવાથી મંદિરમાં તાપમાન ઓછું રાખવામાં આવે છે. વેંકટેશ્વર મંદિરથી 23 કિ.મી.ના અંતરે એક ગામ છે. ગામ બહારની વ્યક્તિ તેમાં પ્રવેશ નથી કરી શકતો.ગામ લોકો અનુશાસનથી જીવે છે. મંદિરમાં ઉપયોગમાં લેવાતા ફૂલ, ફળ,દહીં, દૂધ, માખણ સહિતના દ્રવ્યો તે ગામમાંથી જ આવે છે.
અખંડ દીવાનું રહસ્ય
ગુરુવારે ભગવાન વેંકટેશ્વરને ચંદનનો લેપ થાય છે. તે પછી અદ્ભુત રહસ્ય સર્જાય છે. લેપને દૂર કરતાં જ વેકટેશ્વરના હૃદયમાં લક્ષ્મીજી આકૃતિ જોવા મળે છે. મંદિરમાં એક દીવો હંમેશા બળતો રહે છે. ચોંકાવનારી વાત એ છે કે દીપકમાં કદી તેલ કે ઘી નાખવામાં નથી આવતું. દીપકને સૌથી પહેલાં કોણે પ્રજ્વલિત કર્યો તે વિશે પણ કોઈને જાણકારી નથી.