- એક્સાઇઝ પોલિસી સ્કેમ મામલે મનીષ સિસોદિયાને રાહત
- પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવા દેવાશે
- મની લોન્ડ્રિંગ કેસમાં જામીન અરજી પર 8મેએ થશે સુનાવણી
દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની કસ્ટડીમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને અઠવાડિયામાં એકવાર બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે.
મનીષ સિસોદિયાના પત્ની છે બીમાર
મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયા મલ્ટીપલ સ્ક્લેરોસિસ નામની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની બીમારીથી પીડિત છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી કરતા આ મંજૂરી આપી છે. જેમાં મનીષ સિસોદિયાએ 30 એપ્રિલે નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
સિસોદિયાની જામીન અરજી પર ક્યારે સુનાવણી ?
મનીષ સિસોદિયાએ કોર્ટને નીચલી કોર્ટના આદેશને ચાલુ રાખવાની પણ વિનંતી કરી હતી જેમાં તેમણે બીમાર પત્નીને કસ્ટડીમાં અઠવાડિયામાં એકવાર મળવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે મનીષ સિસોદિયાની અરજી સ્વીકારી હતી. સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે જો આદેશ આપવામાં આવે તો તપાસ એજન્સીને કોઇ મુશ્કેલી નથી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ મનીષ સિસોદિયાની જામીન અરજી પર નોટિસ પાઠવીને ED અને CBI પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની આગામી સુનાવણી 8 મેના રોજ થશે.
સિસોદિયા તિહાર જેલમાં બંધ છે
મહત્વનું છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના બે દિવસ પહેલા દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના કેસમાં, રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ 30 એપ્રિલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ જાણીજોઈને ટ્રાયલમાં વિલંબ કરી રહ્યા છે. . સીબીઆઈએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, ત્યારબાદ 9 માર્ચે ઈડીએ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીમાંથી ધરપકડ કરી હતી. હાલ મનીષ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે.










