• કેનેડાના આરોપો પર ભારતે વ્યક્ત કર્યો હતો સખત વિરોધ
  • ભારત સરકારે કેનેડાના સિનિયર રાજદ્વારીને કર્યા નિષ્કાસિત
  • કેનેડાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી 

વિદેશમંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવા સંસદ ભવનમાં મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે છેલ્લા કેટલાંક દિવસથી કેનેડા સાથે ચાલી રહેલા તણાવને લઈને ચર્ચા કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યું છે કે આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી વચ્ચે ભારત હવે શું પગલાં ભરશે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. જોકે, કેનેડા સાથે ચાલી રહેલા તણાવને લઈને બંને તેનાઓ વચ્ચે શું વાતચીત થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નાથી.

કેનેડાએ ભારત પર લગાવ્યા આરોપો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે હાઉસ ઓફ કૉમન્સને જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે ‘વિશ્વસનીય આરોપો’ છે જેમાં જૂન મહિનામાં કેનેડાની ધરતી પર ખાલિસ્ટની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યા સાથે ભારતના એજન્ટોને સાંકળે છે. ટ્રુડોના આ નિવેદન પર ભારતે કડક વલણ અપનાવ્યું છે.

ભારતે વ્યક્ત કર્યો હતો સખત વિરોધ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો તરફથી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતની સંડોવણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, બંને દેશોની સરકારો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે, ભારત સરકારે જસ્ટિન ટ્રુડોના આરોપોને કડક શબ્દોમાં ફગાવી દીધા હતા. કેનેડાના આરોપો બાદ ભારતે કેનેડાના સિનિયર રાજદ્વારીને 5 દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપી દીધો હતો. તો હવે, કેનેડાએ પણ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હાલપુરતા ભારત જતાં પહેલા વિચાર કરે.

કેનેડીયન સરકારે ટ્રાવેલ એડવાઇઝરીમાં પોતાના નાગરિકોને જણાવ્યું છે કે અનિશ્ચિત સુરક્ષા સ્થિતિને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુસાફરી ન કરવી. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનું જોખમ છે. કેનેડીયન સરકારે પોતાની ટ્રાવેલ એડવાઇઝરીમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખની મુસાફરી ન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ભારત બાદ સૌથી વધુ સિખ લોકો કેનેડામાં

મહત્વનું છે કે વિશ્વમાં ભારત પછી સૌથી વધુ સિખ સમુદાયના લોકો કેનેડામાં વસવાટ કરે છે. કેનેડાની કુલ વસ્તી લગભગ 3 કરોડ 82 લાખ છે. તેમાંથી 2.6 ટકા એટલે કે 9 લાખ 42 હજાર વસ્તી પંજાબી લોકોની છે. પંજાબના લોકો ન માત્ર કેનેડામાં નોકરી કરે છે પરંતુ અહીની સરકારમાં પણ તેમનો ખાસ્સો દબદબો છે. બિઝનેસ, ફાર્મિંગ સેક્ટરમાં પણ તેમનું ખાસ્સું ઊંચું કદ છે.


  • Follow us on: