કર્ણાટકની રાજધાની બેંગલુરુની એમએસ રામૈયા મેમોરિયલ હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના CCUમાં આગ લાગી હતી. આગના કારણે સર્જાયેલી અરાજકતા વચ્ચે 12 દર્દીઓને સલામત રીતે ખસેડાયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ગુરુવારે સવારે 11:30 વાગ્યે હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ધુમાડો ઉછળતો જોવા મળ્યો હતો. તાત્કાલિક દર્દીઓને ખસેડીને અને ફાયર ટેન્ડરોને બોલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આરા સદર હોસ્પિટલમાં આગ લાગી હતી
તાજેતરમાં બિહારની આરા સદર હોસ્પિટલની જૂની ઓપીડી બિલ્ડિંગમાં સ્થિત ડ્રેસિંગ રૂમમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. આગના કારણે ડ્રેસિંગ રૂમમાં રાખેલ કોટન, બૅન્ડિજ્ અને અન્ય વસ્તુઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ આરા સદર હોસ્પિટલમાં પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમની તત્પરતાના કારણે આગને કાબુમાં લેવામાં આવી હતી.
ધનબાદ રેલવે હોસ્પિટલમાં આગ લાગી હતી
આ પહેલા ઝારખંડના ધનબાદમાં રેલવે હોસ્પિટલની આઉટડોર બિલ્ડિંગની છત પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ પછી ઘટનાસ્થળે હાજર લોકો અફરાતફરી મચી ગઈ હતી. સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ OPD બિલ્ડિંગની છત પર શોર્ટ-સર્કિટ થતું જોયું. આ પછી તેઓ કોઈને કંઈ કહે તે પહેલા જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સિનિયર સેક્શન એન્જિનિયરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ પછી તેણે 11 હજાર વોલ્ટની એચટી લાઇન બંધ કરી દીધી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી હતી
ગુજરાતમાં પણ થોડા મહિના પહેલા વડોદરામાં આવેલ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. નાક, કાન અને ગળાના દર્દીઓ જયા બતાવવા આવે છે તે વિભાગમાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો.