• પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે આપી માહિતી 
  • આરોપી રામવીર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર 
  • હત્યાકાંડ બાદ હત્યારાઓને ભાગવામાં કરી હતી મદદ 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલે પોલીસે આજે પહેલી ધરપકડ કરી છે. પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે ગોગામેડી હત્યા કેસમાં ષડયંત્ર ઘડનારાઓમાં સામેલ રામવીરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરોપી રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરી હતી.

5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની બે હુમલાખોરો નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા શ્યામ નગરમાં તેમના નિવાસસ્થાને અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આરોપી રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે બધી વ્યવસ્થા કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશ ચંદ્ર બિશ્નોઈએ કહ્યું કે આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર છે.

પોલીસે જણાવ્યું કે રામવીર સિંહ અને નીતિન ફૌજીના ગામ પાસપાસે જ છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢના સુરેતી પિલાનિયાં ગામનો રહેવાસી છે. બંને ધોરણ 12માં એક જ સ્કૂલમાં ભણતા હતા. 12મું પાસ કર્યા બાદ નીતિન ફૌજી વર્ષ 2019-20માં સેનામાં જોડાયો હતો. તો રામવીરે વિલ્ફ્રેડ કોલેજ, માનસરોવર, જયપુરથી વર્ષ 2017 થી 2020 સુધી B.Sc અને વર્ષ 2021 થી 2023 માં વિવેક PG, જયપુરથી M.Sc કર્યું હતું. રામવીર એપ્રિલ 2023માં એમએસસીની છેલ્લી પરીક્ષા આપીને ગામ ગયો હતો, જ્યારે નીતિન ફૌજી રજા પર આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે એક મહિના પહેલા એટલે કે 9મી નવેમ્બરના રોજ નીતિન ફૌજી અને તેના સાથીઓએ મહેન્દ્રગઢના સદર પોલીસ સ્ટેશનની પોલીસ પાર્ટી પર ગોળીબાર કરીને ભાગી ગયા હતા. નીતિન ફૌજી ફરાર થયો તે દરમિયાન પોતાના મિત્ર રામવીરને 19 નવેમ્બરે જયપુર મોકલ્યો હતો. બિશ્નોઈએ જણાવ્યું કે રામવીરે નીતિન ફૌજીને જયપુરમાં હોટલમાં અને તેના પરિચિતના ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી રામવીરે હત્યાકાંડ બાદ અજમેર રોડથી નીતિન ફૌજી અને રોહિત રાઠોડને બાઇક પર બેસાડીને બગરુ ટોલ પ્લાઝાથી આગળ નાગૌર ડેપોની રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડીને ભાગવામાં મદદ કરી હતી. આરોપી રામવીરની તેના ઘરે થી ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: