તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે આ મામલે તપાસ કરશે. હવે આ મામલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પ્રતિક્રિયા સામે આવી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શુક્રવારે કહ્યું કે, ઘી સપ્લાયર્સે મંદિર પ્રશાસનની આંતરિક પરીક્ષણ સુવિધાના અભાવનો લાભ લીધો છે. હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
'CM નાયડુએ પ્રસાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી'
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્યામલા રાવે આ બાબતે કહ્યું કે, જ્યારે મેં TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ખરીદેલા ઘી અને લાડુની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વેંકટેશ્વર સ્વામીને 'પ્રસાદ' તરીકે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઇચ્છતા હતા કે હું આ મંદિરની પવિત્રતા પુનઃસ્થાપિત થાય તે માટે પગલાં ભરું. જેમાં ગાયના દૂધનું શુદ્ધ ઘી સામેલ છે. અમે આ બાબતે કામ શરૂ કરી દીધું છે. પછી અમને જાણવા મળ્યું કે, ઘીમાં ભેળસેળ તપાસવા માટે અમારી પાસે કોઈ આંતરિક પ્રયોગશાળા નથી. બહારની લેબોરેટરીમાં પણ ઘીની ગુણવત્તા ચકાસવાની કોઈ વ્યવસ્થા નથી.
અમે નમૂના લીધા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા: TTD
TTDના એક્ઝિક્યુટિવ ઓફિસરે વધુમાં કહ્યું કે, આ સિવાય ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરના ભાવ પણ પોસાય તેમ નથી. તેઓ એટલા ઓછા છે કે કોઈ કહી શકે કે ગાયનું શુદ્ધ ઘી આટલા ઓછા પૈસામાં ખરીદી શકાતું નથી. અમે તમામ સપ્લાયર્સને ચેતવણી આપી હતી કે, જો સપ્લાય કરવામાં આવેલ ઘી લેબોરેટરી ટેસ્ટમાં પાસ નહીં થાય તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અમે તમામ સેમ્પલ એકઠા કર્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સરકારની આ શ્રેષ્ઠ પ્રયોગશાળા છે અને તેના પર સંપૂર્ણપણે સરકારનું નિયંત્રણ છે. તપાસ બાદ જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્યામલા રાવે જણાવ્યું હતું કે, લેબોરેટરી ટેસ્ટમાં સેમ્પલમાં પ્રાણીની ચરબીની હાજરી જોવા મળી હતી. તેમણે કહ્યું કે, પરીક્ષણ માટે મોકલવામાં આવેલા ચારેય સેમ્પલના રિપોર્ટમાં સમાન પરિણામો જોવા મળ્યા છે. તેથી અમે તરત જ ઘીનો પુરવઠો બંધ કરી દીધો છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.









