પૂર્વ આઈપીએસ આચાર્ય કિશોર કુણાલનું રવિવારે સવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું, તેઓ મહાવીર મેનેજમેન્ટના વડા અને સંસ્થાપક હતા. મહાવીર સ્વામીમાં શ્રદ્ધાને કારણે તેમણે વીઆરએસ લીધું હતું. આચાર્ય કિશોર કુણાલે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.
કિશોર કુણાલનો જન્મ 10 ઓગસ્ટ 1950ના રોજ થયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ મુઝફ્ફરપુર જિલ્લાના બરુરાજ ગામમાંથી લીધુ હતું. તેઓ પટના યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને સંસ્કૃતમાં સ્નાતક થયા. તેઓ ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી હતા. તેમની પોલીસ કારકિર્દી દરમિયાન તેમને અયોધ્યા વિવાદ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે મધ્યસ્થી કરવા માટે વડા પ્રધાન વી.પી. સિંહ દ્વારા વિશેષ ફરજના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારી તરીકે નિભાવી સેવા
કિશોર કુણાલ 1972માં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ આણંદમાં પોલીસ અધિક્ષક તરીકે થઈ હતી. કિશોર કુણાલે ગૃહ મંત્રાલયમાં પણ પોતાની સેવા આપી હતી. 1978 સુધીમાં તેઓ અમદાવાદના નાયબ પોલીસ કમિશનર(dcp) બની ગયા હતા. આ પછી 1983 માં તેઓ પટનાના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત થયા.
મહાવીર સ્વામીમાં તેમની અતૂટ શ્રદ્ધા હતી
આચાર્ય કિશોર કુણાલ પટના મહાવીર મંદિરમાં જોડાયા અને મહાવીર મંદિરને નવી ઊંચાઈએ લઈ ગયા. ભગવાન મહાવીરમાં તેમની શ્રદ્ધાના કારણે જ તેમણે નોકરીમાંથી VRS લીધું હતું. વર્ષ 2000માં નિવૃત્તિ બાદ કિશોર કુણાલ દરભંગા સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ પણ હતા. કુણાલ પટનાના મહાવીર મંદિરના સેક્રેટરી પણ હતા. તેમના નેતૃત્વ હેઠળ મહાવીર મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય 30 ઓક્ટોબર 1983 ના રોજ શરૂ થયું.
અનેક સામાજિક કર્યો સાથે જોડાયેલા રહ્યા
આ મંદિર દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. મહાવીર ટ્રસ્ટે પાછળથી મહાવીર કેન્સર સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત મહાવીર નેત્રાલયની પણ સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આંખની સમસ્યાથી પીડાતા લોકોની સારવાર કરવામાં આવે છે. ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા કિશોર કુણાલ પટના સ્થિત જ્ઞાન નિકેતન સ્કૂલના સ્થાપક પણ હતા.
આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક
સીએમ નીતિશ કુમારે પણ આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.નીતીશ કુમારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદનમાં શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલ મંત્રી ડૉ. દિલીપ કુમાર જયસ્વાલ, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા અને અન્ય પક્ષના નેતાઓએ આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે કિશોર કુણાલનું યોગદાન શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.